ટોપ ન્યૂઝનેશનલ

Kavad Yatra: દુકાનદારોએ નામ કે ઓળખ જાહેર કરવાની જરૂર નથી, સુપ્રીમ કોર્ટે યુપી સરકારના આદેશ પર સ્ટે મૂક્યો

નવી દિલ્હી: કાવડ યાત્રામાં (Kavad Yatra)દુકાનદારોને નામ જાહેર કરવાના કેસમાં યોગી સરકારને મોટો ફટકો પડ્યો છે. જેમાં કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂક્યો છે. જેમાં કાવડ માર્ગ પરના દુકાનદારોને તેમની ઓળખ જાહેર કરવા માટે કહેવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું છે કે દુકાનદારોએ તેમના નામ કે ઓળખ જાહેર કરવાની જરૂર નથી.

આ પણ વાંચો: કાવડ યાત્રા નેમપ્લેટનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ સુધી : કોર્ટ લઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય

આગામી સુનાવણી 26 જુલાઈએ થશે

કોર્ટે કહ્યું કે દુકાનદારોએ માત્ર ખોરાકનો પ્રકાર જણાવવો પડશે. દુકાનદારે માત્ર એ જણાવવાનું રહેશે કે તે તેની દુકાન પર કેવા પ્રકારનું ખાદ્યપદાર્થ વેચે છે પછી ભલે તે શાકાહારી હોય કે માંસાહારી. આ સંદર્ભમાં કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશની સરકારોને નોટિસ પાઠવી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે જો અરજદારો અન્ય રાજ્યોને પણ સામેલ કરવા માગે છે તો તે રાજ્યોને પણ નોટિસ આપવામાં આવશે. આ મામલામાં આગામી સુનાવણી 26 જુલાઈએ થશે.

સુનાવણી દરમિયાન શું દલીલો આપવામાં આવી?

એનજીઓ એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સે ઉત્તર પ્રદેશ સરકારના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સોમવારે જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચે આ અંગે સુનાવણી કરી હતી.

કેસની સુનાવણી દરમિયાન એનજીઓ તરફથી હાજર રહેલા વકીલ સીયુ સિંહે કહ્યું કે યુપી સરકારના આ નિર્ણયનો કોઈ કાયદાકીય અધિકાર નથી. આવું પહેલા ક્યારેય બન્યું નથી. કોઈ કાયદો પોલીસ કમિશનરને આવી સત્તા આપતો નથી. રસ્તાની બાજુમાં આવેલી ચાની દુકાન અથવા શેરી વિક્રેતા દ્વારા આવી નેમ પ્લેટ લગાવવાનો ઓર્ડર આપવાથી કોઈ ફાયદો થશે નહીં.

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ સ્યુડો ઓર્ડર છે

વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ સ્યુડો ઓર્ડર છે. સિંઘવીએ જણાવ્યું હતું કે કાવડ યાત્રા દાયકાઓથી થઈ રહી છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને બૌદ્ધ તમામ ધર્મના લોકો કાવડીયાઓને મદદ કરે છે. કાવડીઓને માંસાહારી ખોરાક ખવડાવવા અંગે કડક કાયદા બનાવવામાં આવ્યા છે.

યુપીના મુઝફ્ફરનગરમાં તેની શરૂઆત કરવામાં આવી હતી

યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાવડ યાત્રા પહેલા જરૂરી સૂચનાઓ આપી હતી. સરકારના જણાવ્યા મુજબ, રસ્તાની બાજુના સ્ટોલ સહિત દરેક ખાદ્યપદાર્થોના સ્ટોલના માલિકો માટે તેમના નામ સાથેનું બોર્ડ લગાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આ નિયમ મુઝફ્ફરનગરથી શરૂ થયો હતો. ત્યાં સ્થાનિક પ્રશાસને કાવડ યાત્રાળુઓના માર્ગ પર આવતી દુકાનો પર તેમના માલિકો અને સંચાલકોના નામ લખવાની સૂચના આપી હતી.

હલાલ ઉત્પાદનોનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 19 જુલાઈએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને સમગ્ર રાજ્યમાં કાવડ તીર્થયાત્રીઓના માર્ગ પર આવતી દરેક દુકાનના માલિક અને સંચાલકના નામ લખવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ હલાલ ઉત્પાદનોનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button