
આગ્રા: ભારતીય રેલવેએ ‘કવચ’ બ્રેકિંગ સિસ્ટમનું ફરી એક વાર એક વાર સફળ પરીક્ષણ કર્યું છે. ઉત્તર મધ્ય રેલવેના આગરા વિભાગે માહિતી આપી છે કે ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ ‘કવચ’ની બ્રેકિંગ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે સફળ રહ્યું હતું. આ પરીક્ષણ સેમી-હાઈ સ્પીડ ટ્રેન પર કરવામાં આવ્યું હતું, જેમાં 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતું એન્જિન રેડ સિગ્નલ પર બ્રેક લગાવીને આપમેળે બંધ થઈ ગયું હતું.
કવચ સિસ્ટમ રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO) દ્વારા વિકસાવવામાં આવી છે. કટોકટીની સ્થિતિમાં, જો ડ્રાઈવર સમયસર બ્રેક લગાવી ના શકે, તો આ સિસ્ટમ બ્રેક્સ લગાવીને ટ્રેનને રોકી શકે છે.
ટ્રેન અકસ્માતોને રોકવા માટે ભારતીય રેલ્વે આ કવચ સિસ્ટમને સમગ્ર રેલ નેટવર્ક પર લાગુ કરવાની તૈયારી કરી રહી છે. ઉત્તર મધ્ય રેલવેના ડેપ્યુટી ચીફ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશનની દેખરેખ હેઠળ આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ હેઠળ, કવચ સિસ્ટમથી સજ્જ સેમી હાઇ સ્પીડ એન્જિન WAP-5ને પલવલ-મથુરા સેક્શન પર 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવ્યું હતું. એન્જિન ડ્રાઈવરને રેડ સિગ્નલ પર બ્રેક ન લગાવવાનું કહેવામાં આવ્યું હતું.
પરીક્ષણ દરમિયાન, એવું જોવામાં આવ્યું કે લાલ સિગ્નલ જોયા પછી, એન્જિને રેડ સિગ્નલથી માત્ર 30 મીટર દૂર બ્રેક લગાવી. આ સમયગાળા દરમિયાન સુરક્ષાના તમામ માપદંડો પણ યોગ્ય જણાયા હતા. પરીક્ષણ કરાયેલ એન્જિન WAP-5 એન્જિન છે જે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પેસેન્જર કોચ ખેંચી શકે છે અને તે જ એન્જિન શતાબ્દી અને ગતિમાન એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનોમાં વપરાય છે.