Kaun Banega Railway Minister? આ હશે નવા રેલવે મિનિસ્ટર સામેના પડકારો…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ (Prime Minister Narendra Modi’s Third Term) દરમિયાન રેલવે મંત્રાલય (Railway Ministry) કોને સોંપવામાં આવે છે એ એક સવાલ છે. જોકે, અત્યારના વર્તમાન સંજોગોને ધ્યાનમાં લેતાં મોદીની કેબિનેટમાં રેલવે પ્રધાનનો પોર્ટફોલિયો લેનાર નેતા સામે પારાવાર પડકારોનો સામનો કરવો પડશે.
આ બાબતે સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નવા રેલવે પ્રધાન (Railway Minister)નો રસ્તો એટલો સહેલો નહીં હોય. એમના ખભે નવી જનરેશનની સેમિ હાઈ સ્પીડ ટ્રેન જેવી કે વંદેભારત એક્સપ્રેસ (Vande Bharat Express), અમૃત ભારત એક્સપ્રેસ (Amrut Bharat Express)ની સ્પીડ વધારવાની સાથે સાથે જ પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એન્ટી કોલિઝન ટેક્નોલોજીનું કામકાજ પૂરું કરવા જેવી ચેલેન્જ પણ તેમની સામે હશે જ. આ ઉપરાંત યુપી-બિહારની ટ્રેનોના લાંબા લાંબા વેઈટિંગ લિસ્ટ ઘટાડવા, સ્ટેશનો પર સાફ-સફાઈ, ખાવા-પીવાની ગુણવત્તા જાળવી રાખવાની કવાયત પણ કરવી પડશે.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા, નવમી જૂને શપથવિધિ
આ ઉપરાંત સૌથી મહત્ત્વનો મુદ્દો તો એ છે કે રેલવે મંત્રાલય ભાજપ પાસે રહેશે કે સાથી પક્ષના ઝોલીમાં જશે એ તો રવિવારે યોજાનારા શપથ ગ્રહણ સમારોહ બાદ જ નક્કી થશે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે નવા રેલવે પ્રધાન પર ભારતીય રેલવે (Indian Railway)ને ફાયદામાં લાવવાનું, મૂળભૂત ઢાંચાને જાળવી રાખવીને સુરક્ષિત ટ્રેનવ્યવહાર જાળવી રાખવાનું દબાણ પણ હશે.
સરકારે પહેલી ફેબ્રુઆરી, 2024માં રજૂ કરેલાં વચગાળાના બજેટમાં ત્રણ નવા રેલવે કોરિડોર બનાવવા માટે 12 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેમાંથી બે ફ્રેટ કોરિડોર થે અને એક સેમિ હાઈસ્પીડ કોરિડોર છે, જેને આગામી પાંચ વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. નવા રેલવે પ્રધાને વંદે ભારત ટ્રેન (સ્લીપર કોચ), અમૃત ભારત ટ્રેનમાં (પુલ-પુશ ટેક્નોલોજી), નમો ભારત ટ્રેનની સંખ્યા વધારવા માટે કોચ ફેક્ટરીમાં કોચનું ઉત્પાદન વધારવું પડશે.
દેશમાં હાલમાં 100 વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) દોડાવવામાં આવે છે અને 400 ટ્રેન દોડાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ ભારત સરકારનું ટ્રેનની વધુમાં વધુ સ્પીડ 130થી 160 કિલોમીટર પ્રતિ કલાક ચલાવવાનું સપનું પૂરું કરવાની જવાબદારી પણ નવા રેલવે પ્રધાનના ખભે રહેશે.
ટૂંકમાં પીએમ નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન રેલવે પ્રધાન બનનાર વ્યક્તિની સામે પડકારોનો પહાડ હશે. હવે જોવાની વાત એ છે કે આ અગ્નિ પરીક્ષામાંથી કોણે પસાર થવું પડશે?