કાશ્મીરમાં મેદાની વિસ્તારોમાં હિમવર્ષા બાદ તાપમાનમાં ઘટાડોઃ પહેલગામમાં મોસમની સૌથી ઠંડી રાત…

શ્રીનગરઃ કાશ્મીરના મેદાની વિસ્તારોમાં મોસમની પ્રથમ હિમવર્ષા થયાના એક દિવસ બાદ શુક્રવારે ખીણમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં કેટલાક સ્થળોએ ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : આ છે Google પર સૌથી વધુ સર્ચ થયેલો ઈન્ડિયન એક્ટર, લિસ્ટમાં ટીવીની સંસ્કારી બહુનો પણ સમાવેશ…
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કાશ્મીરના ઊંચાણવાળા વિસ્તારોમાં અને કેટલાક મેદાની વિસ્તારોમાં હિમવર્ષાને પગલે ખીણમાં રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે ગત રાત્રિના માઇનસ ૫ ડિગ્રી સેલ્સિયસ હતું.
તેમણે જણાવ્યું કે સ્કીઇંગ માટે જાણીતું ઉત્તર કાશ્મીરનું પર્યટન સ્થળ ગુલમર્ગ ખીણનું સૌથી ઠંડું સ્થળ રહ્યું હતું. જ્યાં તાપમાનનો પારો ગગડીને માઇનસ ૯.૬ ડિગ્રીએ પહોંચ્યો હતો. જે ગત રાત્રિના ૫.૨ ડિગ્રી સેલ્સિયસ પર હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ કાશ્મીરમાં અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહલગામમાં માઇનસ ૯.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે મોસમની સૌથી ઠંડી રાત નોંધાઇ હતી. કાશ્મીરના પ્રવેશદ્વાર કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન ૧.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આ પણ વાંચો : ઈન્ડિગોની ફ્લાઈટમાં ધાંધિયાઃ ઈસ્તંબુલ એરપોર્ટ પર 400થી વધુ પ્રવાસી ફસાયા
જ્યારે ઉત્તર કાશ્મીરમાં કુપવાડામાં માઇનસ ૨.૫ ડિગ્રી અને કોકરનાગમાં માઇનસ ૧.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે ૨૧ ડિસેમ્બર સુધી હવામાન મુખ્યત્યે સૂકું રહેવાની આગાહી કરી છે. જો કે ખીણમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે અને આગામી ચાર દિવસ દરમિયાન ઘણી જગ્યાએ શીત લહેર ફરી વળશે.