
આર્ટિકલ 370 હટાવ્યા બાદ Prime Minister Narendra Modi પહેલી વખત ધરતીના સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયા છે. અહીં તેમણે બખ્શી સ્ટેડિયમમાં ભાષણ દરમિયાન યુવાન ઉદ્યમી સાથે વાત કરી હતી. દરમિયાન પીએમ મોદીની એક સેલ્ફી વાઈરલ થઈ રહી છે, જેમાં પીએમ મોદી એક યુવાન સાથે જોવા મળી રહ્યા છે. આ યુવાન કોણ છે એવો સવાલ થયો ને ચાલો તમને જણાવીએ…
વાત જાણે એમ છે કે એક મધમાખીની ખેતી કરનાર ખેડુત નઝિમે પીએમ મોદી પાસે સેલ્ફીની ડિમાન્ડ કરી હતી. પીએમ મોદીએ પણ હસીને તેની આ માગણી સ્વીકારી લીધી હતી. કાર્યક્રમ પૂરો થયા બાદ પીએમ મોદીએ નઝિમ સાથેનો સેલ્ફી પોસ્ટ પણ કર્યો હતો. એટલું જ નહીં પણ ફોટો શેર કરવાની સાથે સાથે તેમણે કેપ્શનમાં લખ્યું કે મારા મિત્ર નઝિમ સાથે યાદગાર સેલ્ફી… હું એના સારા કામથી ખૂબ પ્રભાવિત થયો છું. સાર્વજનિક સભામાં તેણે સેલ્ફી માંગી હતી. એને મળીને આનંદ થયો. તેના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ…
નઝિમે પીએમ મોદી સાથે લાંબી વાતચીત પણ કરી હતી. પુલવામાના નઝિમે જણાવ્યું હતું કે આજના સમયમાં કાશ્મીરના મધની કિંમત 1000 રૂપિયા પ્રતિ કિલો હતી અને પીએમ મોદી સાથેની વાતચીત વચ્ચે નઝિમે પીએમ મોદી સાથે સેલ્ફીની ડિમાન્ડ કરી હતી. નઝિમે કહ્યું હતું કે મેં 2003માં કીવીઆઈસીમાં સેલ્ફી વિથ મોદીજી લી. હવે મારું મન ઈચ્છે છે કે હું મારું આ સપનું પણ સાકાર કરું…
નઝિમની આ વાત સાંભળીને પીએમ મોદી પણ હસી પડ્યા અને તેમણે તેમની સુરક્ષામાં તહેનાત એસપીજી કમાન્ડોઝ તરફ જોઈને કહ્યું કે હું પ્રયાસ કરું છું… હું એસપીજીના લોકોને કહું છું. એ લોકો પછી તને અહીં લઈ આવશે અને હું તારી સાથે સેલ્ફી ચોક્કસ લઈશ. પીએમ મોદીએ કાર્યક્રમ પૂરો થયા બાદ નઝિમ સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી અને પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ પણ કરી હતી.