નેશનલ

કાશ્મીરમાં કેસર ક્યારીઓ, ટ્યુલિપ ગાર્ડન, બદામવાડીના ફૂલ સાથે હવે સરસવના ખેતરો પણ બન્યા આકર્ષણનું કેન્દ્ર

શ્રીનગરઃ બંધારણની કલમ 370 હટી ગયા બાદ કાશ્મીર ફરી એક વાર સ્વર્ગની જેમ મહોરી ઉઠ્યું છે. કાશ્મીરમાં કેસર ક્યારીઓ, ટ્યુલિપ ગાર્ડન, બદામવાડીના ફૂલ સાથે હવે સરસવના બાદ અને તેમાં લહેરાતા પીળા ફૂલો પણ હવે પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. સરસવના ખેતરોમાં લીલા પીળા ખીલેલા ફૂલો લહેરાઇ રહ્યા હોવાથી પર્યટકો માટે મનોરંજન અને ફોટોગ્રાફીનું સ્થળ બની ગયા છે. રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ફોટોશૂટ કરવા આવી રહ્યા છે.

ફૂલોથી ભરપૂર બગીચાઓનો નઝારો જ દિલને બાગ બાગ બનાવી દે છે. નેશનલ હાઇવે પર આવેલા આ નયનરમ્ય બગીચાઓ લગભગ છેલ્લા એકાદ પખવાડિયાથી પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. કાશ્મીર આવતા સેંકડો પ્રવાસીઓ તેમના વાહનો રોકે છે અને થોડો સમય ખેતરોમાં વિતાવે છે અને દરરોજ ફોટોગ્રાફ્સ પણ લે છે. અત્યાર સુધી લોકો દાલ લેક, ટ્યુલિપ ગાર્ડન, નિશાત બાગ અને શાલિમાર બાગ ડેવા ગાર્ડનો, ગુલમર્ગના બરફાચ્છાદિત શિખરો, પહેલગામની લાવણ્યમયી સુંદરતા તેમના કેમેરામાં કેદ કરતા હતા, હવે તેઓ સરસવના બગીચાની મંત્રમુગ્ધ કરતી સુંદરતા પણ કેમેરામાં કેદ કરવા માંડ્યા છે.

ગુલમર્ગની મુલાકાત લેતાનપ્રવાસીઓ પણ ગુલમર્ગની નજીક આવેલા સરસવના ખેતરોમાં થોડો સમય વિતાવે છે અને ફોટોગ્રાફ્સ લે છે. ટ્યૂલિપ્સ અને બદામના ફૂલો ઉપરાંત, સરસવના ફૂલો વસંતઋતુમાં ખીણની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.


કાશ્મીરમાં શિયાળાનો અંત થતા જ વસંતઋતુનુ ગમન થાય છે અને અહીંના બાગ, બગીચા, ખેતરો બદામ, ચેરી, ટ્યુલિપ અને સરસવના ફૂલોથી ઢંકાવા માંડે છે. ભવ્ય બરફાચ્છાદિત પર્વતો સામે લહેરાતા સરસવના હરિયાળા અનેપીળા રંગથી રંગાયેલા ખેતરો પર્યટકોના દિલને રંગોમાં રમવા ઘેલા કરી મૂકે છે. લોકો સરસવના ફૂલોના સૌંદર્યથી ફાટ ફાટ થતા દ્રશ્યને આંખોમા ભરી લેવા અહીં આવે છે. અહીંની અપાર શાંતિની શીતળતા માણવા આવેલા પ્રતિ પ્રેમીઓ, નયનરમ્ય દ્રશ્યને કેમેરામાં કંડારવા માગતા પર્યટકો બધા માટે આ સરસવના ખેતરો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ટ્રાવેલ એજન્ટો પણ જણાવે છે કે કાશ્મીરમાં આવતા પર્યટકોના જોવાલાયક સ્થળોના લિસ્ટમાં કાશ્મીરના સરસવના ખેતરોની મુલાકાત તો હોય જ છે.


પહાડોથી ઘેરાયેલું કાશ્મીર સરસવના ફૂલોની વચ્ચે અદભૂત નજારો આપે છે. ટ્રાવેલ એજન્ટ જણાવે છે કે, પ્રવાસીઓને પ્રકૃતિનો આ રંગ ખૂબ જ ગમે છે. વસંતઋતુમાં સરસવ અને બદામના ઝાડના ફૂલને કારણે મુખ્યત્વે પ્રી-વેડિંગ અને ફેશન બ્લોગર્સ માટે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય છે. અહીં ઘણા કપલ્સ હવે પ્રી-વેડિંગ શૂટ માટે આવે છે.


આ સિવાય મોડલ અને ફેશન ડિઝાઈનરો પણ આ સિઝનમાં સરસવના ફૂલોના સોનેરી રંગની વચ્ચે તેમની બ્રાન્ડને કેપ્ચર કરવાનું પસંદ કરે છે. પર્યટકોના જણાવ્યા અનુસાર, કાશ્મીરમાં લહેરાતા સરસવના ફૂલોના ખેતરો આ સ્થાનને સ્વિટ્ઝરલેન્ડ જેવું બનાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker