Jammu Kashmir: બારામુલ્લાના સોપોરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા, બે જવાનો ઘાયલ

બારામુલ્લા: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. ઉત્તર કાશ્મીરના સોપોર વિસ્તારમાં ગુરુવારે સાંજે શરુ થયેલી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. એન્કાઉન્ટર દરમિયાન એક નાગરિક અને સેનાના બે જવાનો પણ ઘાયલ થયા છે.
સોપોર વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આતંકવાદીઓની શોધમાં સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીને પકડવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીવાદીઓઓ તરફથી ગોળીબાર શરૂ થયો હતો. સુરક્ષા દળોએ પણ વળતો ગોળીબાર શરૂ કર્યો હતો. એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
સોપોર અને આસપાસના વિસ્તારોમાં બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. સાંજે 7 વાગ્યાની આસપાસ, જ્યારે સુરક્ષા દળો ચક વિસ્તારમાં શોધખોળ ચલાવી રહ્યા હતા, ત્યારે મસ્જિદથી થોડે દૂર સ્થિત એક મકાનમાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેના પર સુરક્ષા દળોએ પણ ગોળીબાર કરી અને બે આતંકીઓને ઠાર કર્યા.
આ પહેલા મંગળવારે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરાના રેનજી અરગામમાં એન્કાઉન્ટરમાં સેનાના બે જવાન પણ ઘાયલ થયા હતા. ગુરુવારે બપોરે, પોલીસને જાણ થઈ કે ઓટોમેટિક હથિયારોથી સજ્જ બે-ત્રણ આતંકવાદીઓ સોપોરમાં ક્યાંક તેમના સંપર્કને મળવા આવ્યા હતા. આ આતંકવાદીઓ ચૂંટણી દરમિયાન કોઈ ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડી રહ્યા હતા.