નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં આગામી 40 દિવસ મહત્વના…

શ્રીનગર: કાશ્મીરમાં આગામી 40 દિવસ માટે હાડ થીજવી દે તેવી ઠંડી પડશે અને આ 40 દિવસના સમયગાળાને ચિલ્લઈ કલાં તરીકે ઓળખવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં મંગળવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 4.3 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ ઓછું નોંધાયું હતું.

એક અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5.8 ડિગ્રી સેલ્સિયસ અને બારામુલ્લા જિલ્લાના પ્રખ્યાત સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેમજ કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઈનસ ચાર ડિગ્રી સેલ્સિયસ, કોકરનાગમાં માઈનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ અને કુપવાડામાં માઈનસ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી કાશ્મીરમાં એકદમ ઠંડા હવામાનની આગાહી કરી છે.


કાશ્મીરના ઘણા વિસ્તારોમાં વીજળીની સમસ્યાને કારણે લોકો ‘કાંગડી’નો ઉપયોગ કરે છે. ઠંડીના દિવસોમાં જમ્મુ અને કાશ્મીરના લોકો કાંગડીનો ઉપયોગ કરીને પોતાને ગરમ રાખે છે. કાંગડી એ એટલે કે એક એવા પ્રકારનું હીટર જેને પોતાના ગરમ કપડાઓ વચ્ચે રાખી શકાય છે. અને તેના કારણે શરીરમાં તાપમાન જળવાઈ રહે છે.


એક માટીના નાનકડા વાસણમાં થોડાક ગરમ કોલસા મૂકીને તેને શરીર પર ગરમ કપડાંની સાથે વિંટી દેવામાં આવે છે. કડકડતી ઠંડીમાં તે પોર્ટેબલ અને મૂવેબલ હીટરની જેમ કામ કરે છે. પોતાને ગરમ રાખવાની આ કાશ્મીરીઓની જૂની રીત છે.

તાપમાનમાં ઘટાડો થવાને કારણે ઝરણા પણ થીજી ગયા છે. બાળકો અને વૃદ્ધોમાં શ્વાસની તકલીફ વધી છે. ‘ચિલ્લઈ કલાં’ એટલે કે 40 દિવસની આ કડકડતી ઠંડી કે જેમાં આ પ્રદેશમાં શીત લહેર પ્રસરી જશે અને તાપમાન અત્યંત નીચા સ્તરે પહોંચી જશે, અને આ સમયે પ્રખ્યાત દાલ સરોવર સહિત જળાશયો થીજી જાય છે. આ સમયગાળા દરમિયાન ઉપરના વિસ્તારોમાં વારંવાર અને ભારે હિમવર્ષા થાય છે.


ચિલ્લાઈ કલાં 21મી ડિસેમ્બરથી શરૂ થઈ અને 31મી જાન્યુઆરીએ પૂરી થશે. ત્યારબાદ કાશ્મીરમાં 20 દિવસનો ‘ચિલ્લઈ-ખુર્દ’ એટલે કે ઓછી ઠંડી અને 10 દિવસ બાદ હલકી ઠંડી પડશે. નોંધનીય છે કે કાશ્મીરમાં ઠંડીની ઋતુને આમ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button