એમેઝોન, સ્વિગી અને ઓલા જેવી કંપનીઓએ ચૂકવવી પડી શકે છે Welfare Fees, તમારા ખિસ્સા પર થશે આ અસર
નવી દિલ્હી : ફૂડટેક અને ઓનલાઈન શોપિંગ જેવી કંપનીઓએ દેશમાં લાખો લોકોને ડિલિવરી પાર્ટનર તરીકે રોજગારી પૂરી પાડી છે. તેઓને ગીગ વર્કર્સ પણ કહેવામાં આવે છે. સ્વિગી, ઝોમેટો, એમેઝોન, ફ્લિપકાર્ટ, ઉબેર, ઓલા અને મીશો જેવી મોટી કંપનીઓ મોટા પાયે ગીગ વર્કર્સને નોકરીઓ પૂરી પાડવામાં સામેલ છે. હવે આ કંપનીઓ પાસેથી ગીગ વર્કર્સના નામે વેલફેર ફી(Welfare Fees)વસૂલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો આ નિર્ણય લેવામાં આવે છે તો આ કંપનીઓ આ ફીનો બોજ ગ્રાહકો પર નાખી શકે છે.
આ એગ્રીગેટર પ્લેટફોર્મ પર 1 થી 2 ટકા ફી વસૂલવામાં આવી શકે છે
આ તૈયારી કર્ણાટકમાં થઈ રહી છે. કર્ણાટક સરકારે ગીગ વર્કર્સ (સામાજિક સુરક્ષા અને કલ્યાણ) બિલ, 2024 તૈયાર કર્યું છે. સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર આ કાયદા હેઠળ આ એગ્રીગેટર પ્લેટફોર્મ પર 1 થી 2 ટકા ફી લાદી શકે છે. આગામી સપ્તાહે યોજાનારી સમિતિ સ્તરની બેઠક બાદ આ અંગેની જાહેરાત થઈ શકે છે. હાલમાં આ મુદ્દે કોઈ કંપનીએ કંઈ કહ્યું નથી. દરેક કંપની જેમાં ગીગ વર્કર્સ કામ કરે છે તે આ નિયમના દાયરામાં આવશે.
ગિગ વર્કર્સ સોશિયલ સિક્યોરિટી અને વેલફેર ફંડમાં પૈસા આપવાના રહેશે
ડ્રાફ્ટ બિલ અનુસાર રાજ્ય સરકાર ગીગ વર્કર્સ માટે ફંડ બનાવશે. જે કર્ણાટક ગીગ વર્કર્સ સામાજિક સુરક્ષા અને કલ્યાણ ફંડ તરીકે ઓળખાશે. આ ફંડ માટે તમામ એગ્રીગેટર કંપનીઓ પાસેથી વેલફેર ફી વસૂલવામાં આવશે. ડ્રાફ્ટ બિલ અનુસાર, દરેક કંપનીએ આ ફી ક્વાર્ટરના અંતે સરકારને ચૂકવવાની રહેશે.
વિરોધમાં આવ્યા ઘણા સ્ટાર્ટઅપ, કહ્યું નાણાકીય બોજ વધશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્નના જૂથે આ બિલને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે સરકારને કહ્યું હતું કે આવા કાયદાથી રાજ્યમાં બિઝનેસ કરવાની સરળતાના વિચારને નુકસાન થશે. આનાથી સ્ટાર્ટઅપ અર્થતંત્ર પર બિનજરૂરી દબાણ આવશે અને નાણાકીય બોજ પણ વધશે. આ જૂથે CII,Nasscom અને IAMAI દ્વારા સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.