નેશનલ

કર્ણાટક, તેલંગણા અને હવે આંધ્ર? આ ભાઇ-બહેન વચ્ચેના ઝઘડાનો કોંગ્રેસ ઉઠાવશે ફાયદો..

આવનારી લોકસભા ચૂંટણી માટે ભાજપ તો એડીચોટીનું જોર લગાવી જ રહી છે, પણ કોંગ્રેસ પણ પાછળ નથી. INDIA ગઠબંધનમાં તિરાડો, બેઠકો માટે ખેંચતાણના સમાચારો વચ્ચે કોંગ્રેસ દક્ષિણ ભારતના રાજકારણમાં પોતાનું વર્ચસ્વ સ્થપાય એ માટે ઘણા પ્રયત્નો કરી રહી છે, જેનું એક ઉદાહરણ છે આંધ્રપ્રદેશના રાજકારણમાં દબદબો ધરાવતા નેતા અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન રેડ્ડીની બહેન શર્મિલાને કોંગ્રેસમાં સામેલ કરી લેવી તે.

દક્ષિણ ભારતનું રાજકારણ ધીમે ધીમે બદલાઇ રહ્યું છે. પહેલા એવી માન્યતા પ્રવર્તતી હતી કે દક્ષિણ ભારતમાં સ્થાનિક પક્ષો જ ચૂંટણીમાં મેદાન મારી જાય છે પરંતુ હવે પરિવર્તનનો પવન ફૂંકાઇ રહ્યો છે. લોકસભા ચૂંટણીની સાથે સાથે આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પણ 2024માં જ યોજાવાની છે. કોંગ્રેસ પહેલા કર્ણાટક અને તેલંગણાને હસ્તગત કરી ચુકી છે. હવે આંધ્ર પર તેની નજર છે.


આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગનમોહન રેડ્ડીની બહેન વાયએસ શર્મિલા રેડ્ડી આવતીકાલે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે, તેમણે જુલાઇ 2021માં જગન રેડ્ડી સાથેના વિખવાદને પરિણામે અલગ પાર્ટી ઉભી કરી હતી, એ પાર્ટીનો વિલય કરીને તેઓ આંધ્રપ્રદેશમાં કોંગ્રેસને ઉભી કરવાનો પડકાર ઝીલશે. જો તેઓ આ કામ કરવામાં સફળ થાય તો આવનારી વિધાનસભા ચૂંટણી તેમજ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફાયદો થઇ શકે તેમ છે.


વાઇએસ શર્મિલા તેલંગણાથી સક્રિય વાયએસઆર તેલંગણા પાર્ટીના સંસ્થાપક છે, 49 વર્ષીય શર્મિલા આંધ્રપ્રદેશના દિગ્ગજ નેતા અને મુખ્યપ્રધાન રહી ચુકેલા વાયએસ રાજશેખર રેડ્ડીના પુત્રી છે. જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગણા અલગ નહોતું તે સમયે આ પરિવાર પાસે રાજ્યની સત્તા હતી. વાયએસ રાજશેખર રેડ્ડીનું હેલિકોપ્ટરમાં અકસ્માત બાદ નિધન થતા તેમના પુત્ર અને શર્મિલાના ભાઇ જગનમોહન રેડ્ડી આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન બન્યા હતા.


શર્મિલાના પતિ એમ. અનિલ કુમાર એક વેપારી છે, ઉપરાંત તેઓ એક એક ખ્રિસ્તી ઉપદેશક પણ છે. બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો પણ છે. શર્મિલાએ પોતાની રાજકીય ઇનિંગ્સની શરૂઆત મુશ્કેલ સંજોગોમાં કરી હતી. મે 2012માં ભાઇ જગનની સીબીઆઈ દ્વારા ઉચાપતના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ભાઈના જેલમાં ગયા પછી બહેન શર્મિલાએ માતા વાયએસ વિજયમ્મા સાથે YSR કોંગ્રેસ પાર્ટી વતી પ્રચારની જવાબદારી લીધી.

જગનની ધરપકડ સમયે, આંધ્ર પ્રદેશમાં 18 વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની હતી. YSRCPએ 18માંથી 15 બેઠકો જીતી અને એકમાત્ર લોકસભા બેઠક પણ જીતી લીધી હતી. શર્મિલાએ YSR કોંગ્રેસ પાર્ટીના કન્વીનર તરીકે ઓક્ટોબર 2012માં આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લાના ઇડુપુલાપાયાથી 3,000 કિમીની પદયાત્રા શરૂ કરી હતી. આ યાત્રામાં તેમણે 14 જિલ્લાઓને આવરી લીધા હતા, અને પોતાની છબીને અને YSR કોંગ્રેસ પાર્ટીની વોટબેંકને ખૂબ મજબૂત બનાવી હતી.

એપ્રિલ 2019ની આંધ્રપ્રદેશની વિધાનસભા ચૂંટણી સમયે આંધ્રપ્રદેશમાં એન ચંદ્રબાબુ નાયડુ મુખ્યપ્રધાન હતા. શર્મિલાએ જે રીતે આંધ્રપ્રદેશમાંથી ટીડીપી-તેલુગુ દેશમ પાર્ટીનો સફાયો કર્યો તે મહત્વનું છે. આ વખતે તે ‘બાય બાય બાબુ’ ટાઈમર ઘડિયાળ સાથે બસોમાં ફરી. આખા આંધ્રપ્રદેશમાં કુલ 11 દિવસનો બસ પ્રવાસ કર્યો. ‘પ્રજા થેરાપુ – બાય બાય બાબુ’ નામના અભિયાનમાં, શર્મિલાએ 1,553 કિમીની મુસાફરી કરી અને પ્રજાનું પ્રચંડ સમર્થન મેળવ્યું. ભાઈ જગન સાથે કરેલી આ મહેનતનું ફળ પણ મળ્યું અને 2019ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી સત્તા પર આવી.


જો કે સત્તાની મહત્વાકાંક્ષા એક વાર મનમાં વસી જાય પછી તે કોઇને છોડતી નથી. પદ-પ્રતિષ્ઠા માટે ભલભલા લોકો સંબંધો નેવે મુકી દેતા હોય છે. કદાચ એવું જ કંઇક આ કિસ્સામાં પણ થયું. રેડ્ડી ભાઇ-બહેન જે કાલ સુધી હમ સાથ-સાથ હૈના ગીતો ગાતા હતા તે ધીમે ધીમે ક્યારે દુશ્મનીના ગીતોમાં પલટાઇ ગઇ તેની કોઇને જાણ સુદ્ધા ન થઇ. નાનીમોટી તકરાર ઉગ્ર વિવાદો અને મતભેદોમાં પરિણમી, અને રેડ્ડી ભાઇ-બહેનની માતા વિજયમ્મા પણ પુત્રને બદલે પુત્રીને સાથ આપવાનું નક્કી કર્યું.


આખરે નવા વર્ષની શરૂઆતમાં શર્મિલાએ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લઇ લીધો છે. આની ઔપચારિક જાહેરાત પહેલા શર્મિલા કોંગ્રેસના ટોચના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત પણ કરી રહ્યા છે. કર્ણાટક અને તેલંગણામાં કોંગ્રેસની જીત બાદ આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. શર્મિલા કોંગ્રેસમાં જોડાય એ પછી તેમને દક્ષિણના રાજ્યોના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા