કર્ણાટકમાં રાજકીય પરિવર્તનની અટકળોનો અંત, સિદ્ધારમૈયા પૂર્ણ કરશે કાર્યકાળ

બેંગલુરુ : કર્ણાટકમાં રાજકીય પરિવર્તનની અટકળોએ રાજકીય વર્તુળમાં ગરમાવો લાવી દીધો છે. જોકે, તેમાં હાલ ફેરફારની કોઈ શક્યતા નથી. તેમજ આ અંગે સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કોંગ્રેસ હાઇકમાન્ડ હાલમાં મુખ્યમંત્રી બદલવાના મૂડમાં નથી. જેના લીધે એ સંકેત મળી રહ્યા છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે.
ડિસેમ્બર બાદ મંત્રીમંડળમાં ફેરબદલ થવાની શક્યતા
તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પાસે નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર કરતાં વધુ ધારાસભ્યોનું સમર્થન છે. જોકે, ડીકે શિવકુમારના સમર્થકો દિલ્હીમાં છે. તેમજ ડીકે શિવકુમારના સમર્થકો કેટલાક વધુ સભ્યો સોમવાર સુધીમાં દિલ્હી પહોંચી શકે છે. જોકે, ગુરુવારે મોડી રાત્રે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વચ્ચે 10 મિનિટની ફોન વાતચીત થઈ. ડિસેમ્બર પછી કર્ણાટકમાં મંત્રીમંડળમાં ફેરબદલ થવાની શક્યતા છે. રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર પછી મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે.
આ પણ વાંચો: કર્ણાટક કોંગ્રેસ નેતૃત્વમાં મોટા ફેરફારની તૈયારી! ખડગેએ ડીકે શિવકુમારના સમર્થકોને આપી ખાતરી
સમગ્ર વિવાદ પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ
આ અંગે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ સ્પષ્ટતા કરી હતી આ સમગ્ર વિવાદ પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કર્ણાટક ભાજપનો એક વર્ગ મીડિયા સાથે મળીને કર્ણાટક અને તેની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. તેનો એકમાત્ર હેતુ 5 કોંગ્રેસ સરકારોની નોંધપાત્ર સિદ્ધિઓ અને યોજનાઓને નબળી પાડવાનો છે. જોકે, બીજી તરફ કેટલાક કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોના અયોગ્ય નિવેદનોએ પણ અટકળોને વેગ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં મોટા રાજકીય પરિવર્તનની ચર્ચાએ વેગ પકડ્યું હતું. જોકે, હાલ રાજ્યના મુખ્યમંત્રીમાં ફેરફારની શક્યતા ઓછી છે.


