કર્ણાટક પોલીસે આ કારણસર ભાજપના સાંસદની કરી અટક, જાણો શું છે મામલો?

બેંગલૂરુ: કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં અઝાન અને હનુમાન ચાલીસા વગાડવા મુદ્દે વિવાદ અટકવાનું નામ લેતો નથી. એક હિન્દુ વેપારીએ હનુમાન ચાલીસા વગાડતા એક વર્ગના લોકોએ તેને માર મારવાની ઘટના બની હતી. આ ઘટના બાદ બેંગલુરુમાં વિવાદ વકરતા આ બાબતને હવે રાજકીય સ્વરુપ મળ્યું છે. આ ઘટનાને અંગે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ તેજસ્વી સૂર્યાએ વિરોધ પ્રદર્શન કરતાં કર્ણાટક પોલીસે તેમની અટક કરતા રાજકારણ ગરમાયું છે.
બેંગલુરુમાં અઝાન દરમિયાન હનુમાન ચાલીસા વગાડતા એક જૂથે દુકાનદારને માર માર્યો હતો, જેને લઈને વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં હવે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ ભાગ લેતા વિવાદ વધુ વકર્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન વિસ્તારમાં પોલીસ ટીમને તહેનાત કરી લોકોને શાંતિ જાળવવાની અને નિયમોનું પાલન કરવાની અપલી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો
ભાવનગરમાં કથિત હનુમાન ચાલીસા વગાડવા બાબતે દરજી પર હુમલો, લોકોએ રાજસ્થાનના કનૈયાલાલ હત્યાકાંડને કર્યો યાદ
આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાને કર્ણાટક પોલીસ દ્વારા તાબામાં લેવામાં આવ્યા હતા. તેજસ્વી સૂર્યાને પોલીસે તાબામાં લેતા આંદોલન કરી રહેલા લોકોએ પોલીસ સ્ટેશનને ઘેરાવ ઘાલ્યો હતો, પણ તેજસ્વી સૂર્યાએ દરેક લોકોને પાછા જવાની વિનંતી કરી હતી.
રવિવાર 17 માર્ચે બેંગલુરુના એક વિસ્તારમાં અઝાન દરમિયાન એક દુકાનના વેપારીએ હનુમાન ચાલીસા પ્લે કરી હતી. આ વાતને લઈને એક જૂથના કાર્યકરોને ગુસ્સો આવતા આઠ દસ લોકોએ વેપારી સાથે મારપીટ કરી હતી, જેને લઈને હવે વિવાદ બીજા રાજ્યોમાં પણ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા કર્ણાટકના એક ગામમાં પણ હનુમાનની તસવીરવાળો ધ્વજ સરકારી અધિકારી દ્વારા હટાવવામાં આવતા ગામમાં હિંસા ફાટી નીકળી હતી અને તેને જોઈને પ્રશાસને ગામમાં કલમ 144 પણ લાગુ કરી મામલાને શાંત પાડવામાં આવ્યો હતો