ભ્રષ્ટાચાર અને રાજકારણ એ કંઇ નવી વાત નથી. પણ હાલમાં કર્ણાટકના મંત્રી શિવાનંદ પાટીલના કહેવાતા વીડિયોને લઈને વિવાદ ઉભો થયો છે. આ વીડિયોમાં મંત્રી શિવાનંદ પાટીલ પર નોટોનો વરસાદ થઈ રહ્યો છે. એમના પર વરસતો નોટોનો વરસાદ કાળા નાણાનો જ હોઇ શકે છે એમાં તો કોઇ બેમત નથી. વીડિયો વાયરલ થયા બાદ હવે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને ગાંધી પરિવારને ઘેરી રહી છે.
વીડિયોમાં જોવા મળ્યું હતું કે શિવાનંદ પાટીલ એક કાર્યક્રમમાં બેઠા છે અને આ દરમિયાન કેટલાક લોકો નોટોનો વરસાદ કરી રહ્યા છે. આ વીડિયો હૈદરાબાદનો હોવાનું કહેવાય છે. મહત્વની વાત એ છે કે આવકવેરા વિભાગે તાજેતરમાં બેંગલુરુમાં દરોડા પાડ્યા હતા અને અહીંથી કથિત રીતે 100 કરોડ રૂપિયાથી વધુ બિનહિસાબી રકમ મળી આવી હતી. મળતી માહિતી મુજબ કર્ણાટકના મંત્રી શિવાનંદ પાટીલએ સ્વીકાર્યું હતું કે કેશ શાવર પાર્ટીમાં તેઓ જ હતા. તેઓ હૈદરાબાદમાં એક લગ્નમાં ગયા હતા.
કર્ણાટકના મંત્રીનો વીડિયો વાયરલ થયા બાદ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને ઘેરી રહી છે. બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘ચૂંટણી એ લોકશાહીમાં એક મહાન તહેવાર છે અને કોંગ્રેસ પાર્ટી અને તેના મંત્રીઓ તેમના કાળા નાણાથી તેને પ્રદૂષિત કરવાનું કામ કરી રહ્યા છે.
જનતાની કમાણી લૂંટીને તેઓ હેદરાબાદ જાય છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ભ્રષ્ટાચારના આરોપમાં જામીન પર બહાર છે. કોંગ્રેસના તમામ નેતાઓની અંદર ગાંધી પરિવારનો ભ્રષ્ટ ડીએનએ ઉકળી રહ્યો છે.