કર્ણાટકમાં ઘરની અંદરથી 5 લોકોના હાડપિંજર મળી આવતા ખળભળાટ, પોલીસ પણ હેરાન

ચિત્રદુર્ગ: કર્નાટકના ચિત્રદુર્ગના આદિશક્તિ નગરમાં એક બંધ પડેલા ઘરની અંદરથી એક જ પરિવારના 5 સભ્યોના હાડપિંજર મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ પરિવાર છેલ્લા 5 વર્ષથી ગાયબ હતો. મોતનું કારણ હજુ સ્પષ્ટ નથી. એક અહેવાલ મુજબ છે કે કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં એક ઘરની અંદરથી પાંચ હાડપિંજરના અવશેષો મળી આવ્યા છે, જેના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ હાડપિંજર એક જ પરિવારના સભ્યોના છે. પોલીસના જણાવ્યા અનુસાર આ હાડપીંજર એક નિવૃત્ત સરકારી એક્ઝિક્યુટિવ એન્જિનિયર જગન્નાથ રેડ્ડી (85), તેમની પત્ની પ્રેમા (80), પુત્રી ત્રિવેણી (62), અને પુત્રો ક્રિષ્ના (60) અને નરેન્દ્ર (57) હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ફોરેન્સિક તપાસ બાદ જ ચોક્કસ ઓળખ થઇ શકાશે. મૃત્યુનું કારણ જાણવા માટે ઓટોપ્સી કરવામાં આવશે. પરિવારજનો છેલ્લે 2019 માં દેખાયા હતા અને ત્યારથી તેમનું ઘર બંધ હતું. ઘરની તપાસ કરતા પોલીસને કન્નડમાં લખેલી તારીખ અને સહી વગરની નોટ મળી આવી હતી. જેમાં સંકેત મળે છે કે પરિવાર આત્યંતિક પગલું ભરવાનું વિચારી રહ્યો છે. અહેવાલો અનુસાર, સંબંધીઓએ પોલીસને જણાવ્યું હતું કે પરિવાર સંપૂર્ણપણે એકલવાયું જીવન જીવી રહ્યો હતો અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતો હતો. આ પરિવાર છેલ્લે જુલાઈ 2019ની આસપાસ જોવા મળ્યો હતો અને ત્યારથી તેમનું ઘર બંધ હતું. લગભગ બે મહિના પહેલા મોર્નિંગ વોક દરમિયાન સ્થાનિક લોકોએ જોયું કે લાકડાનો બનેલો ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો હતો, છતાં સ્થાનિક લોકોએ પોલીસને તેની જાણ કરી ન હતી.
ઘટના સ્થળની વધુ તપાસ દરમિયાન ઘરની અંદર તોડફોડના પુરાવાઓ મળ્યા આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તેમને એક રૂમમાં ચાર હાડપિંજર (બે પલંગ પર અને બે ફ્લોર પર) પડેલા મળ્યા, જ્યારે અન્ય એક રૂમમાંથી એક હાડપિંજર મળી આવ્યું. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમ અને સીન ઓફ ક્રાઈમ ઓફિસર્સ (SOCO) ને પુરાવા એકત્રિત કરવા માટે બોલાવવામાં આવ્યા હતા અને ઘરની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે.