કેરળમાં કોવિડના વધતા કેસ વચ્ચે કર્ણાટક સરકાર એક્શનમાં
બેંગલૂરુઃ કોરોનાનો ઉપદ્રવ ફરી લોકોને ડરાવી રહ્યો છે. કર્ણાટક સરકારે સોમવારે 60 વર્ષથી વધુ ઉંમરના એવા લોકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે જેઓ અન્ય રોગોની સાથે ઉધરસ, શરદી અને તાવથી પીડિત છે. પડોશી રાજ્ય કેરળમાં કોવિડ-19ના સબ-ફોર્મ JN.1 નો કેસ નોંધાયા બાદ અહીંની સરકારે આ પગલું ભર્યું છે. આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે અધિકારીઓને આવા લક્ષણો અને શંકાસ્પદ કેસ ધરાવતા લોકોની તપાસ કરવા અને સરહદી જિલ્લાઓમાં દેખરેખ વધારવા સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય પ્રધાને આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હાલમાં તો લોકોની હિલચાલ અને એકઠા થવા પર કોઈ પ્રતિબંધની જરૂર નથી. સરકાર એક એડવાઈઝરી લઈને આવશે.
રાવે કહ્યું, “અત્યારે ચિંતા કરવાની કોઈ વાત નથી. અમે શનિવારે એક બેઠક કરી હતી અને ડૉ. કે રવિની આગેવાની હેઠળની અમારી ટેકનિકલ સલાહકાર સમિતિ ગઈકાલે મળી હતી. અમે અધિકારીઓ અને નિષ્ણાતો સાથે પગલાં લેવા અંગે ચર્ચા કરી છે. 60 વર્ષથી વધુ ઉંમરના અને હૃદય અને કિડની સંબંધિત રોગો અને ખાંસી, શરદી અને તાવથી પીડિત લોકો માટે માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. અમે આ માહિતી લોકોને આપી રહ્યા છીએ. અમે હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોને પણ તૈયાર રહેવા કહ્યું છે. કેરળ સાથે સરહદ ધરાવતા કોડાગુ, દક્ષિણ કન્નડ, ચામરાજનગર જેવા સરહદી જિલ્લાઓમાં સાવધાની વર્તવામાં આવી રહી છે. ‘
રાવે એમ પણ જણાવ્યું હતું કે સરકારને થોડા દિવસોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે કે નહીં તેની ખબર પડી જશે. જો કોરોનાના કેસના પરીક્ષણમાં વધારો થવાથી કોરોનાના વધુ કેસો આવશે તો અમે આગળ શું કરવું તેનો નિર્ણય લઇશું. હાલમાં ચિંતા કરવાની કોઇ જરૂર નથી. હાલમાં લોકોની હિલચાલ પર કે લોકોના એકઠા થવા પર કોઇ પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો.