બેંગલૂરુઃ કર્ણાટક રાજભવન સંકુલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને તે ગમે ત્યારે વિસ્ફોટ થશે તેવી માહિતી મળ્યા બાદ, બેંગલુરુ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ સમાચાર આવ્યા બાદ NIA કંટ્રોલ રૂમે તરત જ બેંગલુરુ સિટી પોલીસ કંટ્રોલ રૂમ (112) ને ધમકીભર્યા કોલ વિશે ચેતવણી આપી હતા, જેને લઇને શહેર પોલીસ એક્શનમાં આવી હતી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીએસ), સ્નિફર ડોગ સ્ક્વોડને ઓપરેશનમાં તૈનાત કરવામાં આવી હતી.
પોલીસે રાજ્યપાલના સત્તાવાર નિવાસસ્થાનની આસપાસ શોધખોળ કરી હતી અને અંતે જાણવા મળ્યું હતું કે તે નકલી કોલ હતો. રાજભવનના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફોન મહારાષ્ટ્રની સરહદે આવેલા કર્ણાટકના ઉત્તરી જિલ્લા બિદરથી કરવામાં આવ્યો હતો. કોલ કર્યા પછી ફોન સ્વીચ ઓફ થઈ ગયો. પોલીસ ફોન કરનારને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યપાલ હાલમાં બેલગાવીમાં છે. બેંગલુરુના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (વેસ્ટ ડિવિઝન) શેખર એચ ટેકન્નવરે જણાવ્યું હતું કે NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) કંટ્રોલ રૂમને મધ્યરાત્રિએ એક અનામી ફોન કોલ આવ્યો હતો, જેના પગલે બેંગલુરુ પોલીસને જાણ કરવામાં આવી હતી. “ઊંડી શોધ કર્યા પછી, પણ કંઈ મળ્યું નથી. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.”
તાજેતરમાં, જ્યારે બેંગલુરુની શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હતી ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગભરાટ ફેલાયો હતો. હવે આજની બૉમ્બ હોવાની પોકળ ધમકીએ પોલીસ વિભાગ માટે પડકાર ઉભો કર્યો છે. આવી ગંદી રમત કોણ અને શા માટે રમી રહ્યું છે એ જાણવું પોલીસ માટે સમસ્યા બની ગયું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને