મહાલક્ષ્મી મર્ડરઃ અશરફ નહીં, પોલીસને હવે આ ફરાર સહપાઠી પર શક

બેંગલુરુઃ બેંગલુરુના મહાલક્ષ્મી હત્યા કેસે મુંબઈની શ્રદ્ધા વાલકરની હત્યાની યાદ અપાવી છે. શ્રદ્ધાની જેમ મહાલક્ષ્મીની પણ હત્યા કરી તેના 49 ટૂંકડા કરી ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા. ટેક સિટીમાં કામ કરતી આ સેલ્સવુમનની હત્યાએ આખા દેશને હચમચાવ્યો છે ત્યારે હવે પોલીસની નજરમાં એક એવો શખ્શ આવ્યો છે, જેનો સંપર્ક થતો નથી, પરંતુ તે મહાલક્ષ્મીનો હત્યારો હોવાના અમુક સંકેતો મળી રહ્યા છે. આસામનો રહેવાસી મુક્તિ પોલીસની રડારમાં છે. પોલીસ સૂત્રોએ તેનું પૂરું નામ જાહેર કર્યું નથી. મુક્તિનો ફોન બંધ છે.
મુક્તિ મહાલક્ષ્મી સાથે કામ કરતો હતો અને બન્ને વચ્ચે સહકર્મીઓ જેવો સંબંધ હતો, પરંતુ મહાલક્ષ્મીના અન્ય કોઈ સહકર્મી સાથેના સંબંધો તેને ગમતા ન હતા, તેવી થિયરી બહાર આવી છે.
અગાઉ મહાલક્ષ્મીના એક્સ હસબન્ડે જણાવ્યું હતું કે એક અશરફ નામના યુવક સાથે તેની પત્નીના સંબંધો હતા અને તેમના લગ્ન તૂટવાનું મુખ્ય કારણ પણ તે હતું. તેણે એવો દાવો પણ કર્યો છે કે મહાલક્ષ્મી અશરફ સાથે રહેતી પણ હતી. તેઓ એકબીજાના ગાઢ સંપર્કમાં હતા અને તેનાં પતિને આ મામલે જાણ થતાં પતિ-પત્નીના સંબંધો બગડ્યા હતા. જોકે મહાલક્ષ્મીનો પરિવાર આ બધી થિયરી માનતો નથી અને તે દીકરીના હત્યારાને સખત સજા આપવાની માગણી કરી રહ્યો છે.