અમિત શાહને જાહેરમાં ચર્ચા માટે કર્ણાટકના મુખ્ય પ્રધાનનો પડકાર
બેંગલૂરુ: કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયાએ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહને પોતાની સાથે જાહેરમાં ચર્ચા કરવા માટે રવિવારે પડકાર ફેંક્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની તિજોરી વિવિધ ગેરન્ટી સ્કીમના અમલથી ખાલી નથી થઇ, તે હું સાબિત કરી શકું છું.
અમિત શાહ રવિવારે સવારે મૈસુર આવ્યા હતા અને ચામુંડી ટેકરી પર ચામુંડેશ્ર્વરી મંદિરમાં દર્શન
કર્યા હતા તેમ જ લોકસભાની આગામી ચૂંટણીને લગતી તૈયારી અંગે ભાજપના સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરી હતી.
અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારની વિવિધ ગેરન્ટી સ્કીમને લીધે સરકારી તિજોરી ખાલી થઇ ગઇ છે.
સિદ્ધરમૈયાએ અમિત શાહના આ આક્ષેપને ખોટો ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે હું સાબિત કરી શકું છું કે રાજ્ય સરકારની તિજોરી ખાલી નથી. કેન્દ્ર સરકાર રાજ્યને નાણાંની ફાળવણી કરતી વખતે ભેદભાવ રાખે છે.
કર્ણાટકના મુખ્ય પ્રધાને એવો દાવો પણ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમે જાહેર કરેલી ગેરન્ટી સ્કીમ્સનું અનુકરણ કરીને ખોટું શ્રેય લઇ રહ્યા છે. ભાજપની નીતિ ગરીબો-વિરોધી છે. (એજન્સી)