બોલો ભાજપના આ નેતાએ મહિલાને સલાહ આપી કે રાત્રે ઊંઘ ન આવે તો…

બેંગલુરુઃ બફાટ કરવામાં દેશના દરેક રાજકીય પક્ષો એકબીજાથી પાવરધા પુરવાર થાય તેમ છે. ખાસ કરીને ચૂંટણી સમયે નેતાઓનો બફાટ બહાર આવતો હોય છે ત્યારે ભાજપના એક નેતાએ કરેલી વાહિયાત વાત વાયરલ થઈ રહી છે. કર્ણાટકમાં ભાજપના નેતા સંજય પાટીલે મહિલા મંત્રી લક્ષ્મી હેબ્બાલકર વિશે એવી ટીપ્પણી કરી છે જેનાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. પૂર્વ ધારાસભ્ય સંજય પાટીલે મહિલા મંત્રી લક્ષ્મી હેબ્બાલકરને રાત્રે સારી ઊંઘ માટે વધારાના પેગ્સ લેવા કહ્યું હતું.
કર્ણાટક ભાજપના નેતા સંજય પાટીલે કોંગ્રેસના નેતા અને રાજ્યનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી લક્ષ્મી હેબ્બાલકરને એક સૂચન આપ્યું જેનાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. સંજય પાટીલે લક્ષ્મી હેબ્બાલકરને સારી ઊંઘ માટે એક વધારાનો પેગ લેવાનું સૂચન કર્યું.
હેબ્બાલકર પર કટાક્ષ કરતા સંજય પાટીલે કહ્યું કે કર્ણાટકમાં ભાજપનો ઉદય હેબ્બાલકરને ખૂબ જ ચિંતિત કરશે અને હું તેમને સારી ઊંઘ માટે ઊંઘની ગોળી અથવા વધારાની પેગ લેવાનું સૂચન કરું છું.
બેલાગવીમાં એક જાહેર સભાને સંબોધતા પાટીલે કહ્યું, મેં કર્ણાટકમાં આઠ અલગ-અલગ વિસ્તારોના પ્રભારી તરીકે કામ કર્યું છે. બેલગાવીમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભાજપના સમર્થનમાં બહાર આવી રહી છે. આ જ કારણે હું ઈચ્છું છું કે મારી મોટી બહેન (લક્ષ્મી હેબ્બાલકર) ઊંઘની ગોળી લે અથવા સારી ઊંઘ લેવા માટે વધારાનો પેગ લે.
પાટીલના આ નિવેદન પર કર્ણાટક કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે સંજય પાટીલે લક્ષ્મી હેબ્બાલકર પર ટિપ્પણી કરીને મહિલાઓનું અપમાન કર્યું છે. પાર્ટીએ એમ પણ કહ્યું કે ભાજપનું હંમેશાં મહિલા વિરોધી વલણ વધી રહ્યું છે.
હેબ્બાલકરના પુત્ર મૃણાલ રવિન્દ્ર હેબ્બાલકર બેલાગવી સીટથી કૉંગ્રેસની ટિકિટ પર ભાજપના ઉમેદવાર અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર સામે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.