
બેંગલુરુ: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election)માં રાજકીય પક્ષો પ્રચાર માટે નૈતિક-અનૈતિક દરેક રસ્તા અપનાવી રહ્યા છે. વડા પ્રધાન મોદી સહીત ભાજપ(BJP)ના નેતાઓ કોંગ્રેસ(Congress) પર મુસ્લિમ તુષ્ટિકરણનું રાજકારણ કરવાના સતત આરોપો લગાવી રહ્યા છે. એવામાં કર્ણાટક ભાજપે રાહુલ ગાંધી અને મુસ્લિમ સમુદાયને વાંધાજનક રીતે દર્શાવતું કાર્ટૂન(Cartoon video) શેર કરતા વિવાદ ઉભો થયો છે. કર્ણાટક કોંગ્રેસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયા અને રાજ્ય એકમના વડા બી.વાય. વિજયેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
કર્ણાટકમાં મુસ્લિમોને OBC અનામત આપવાના કર્ણાટકનની કોંગ્રેસ સરકારના નિર્ણયથી અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયના સભ્યોને અન્યાય થઇ રહ્યો છે એવું દર્શાવવા ભાજપે સોશિયલ મીડિયા પર એક કાર્ટૂન પોસ્ટ કર્યું છે. જેની સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે.
કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટી(KPCC) ના મીડિયા અને સંચાર વિભાગના અધ્યક્ષ રમેશ બાબુ દ્વારા સબમિટ કરવામાં આવેલા પત્રમાં કર્ણાટક ભાજપના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરવામાં આવેલા એક વીડિયો તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાના એનિમેટેડ પાત્રો તરીકે દર્શાવવામાં આવ્યા છે.
વિડિયોમાં જોવા મળે છે કે એક માળામાં SC, ST અને OBCs એવું લખેલા નાના કદના ત્રણ ઇંડા પડેલા છે. જે દેખીતી રીતે અનામત ક્વોટા દર્શાવે છે. ત્યાર બાદ વીડિયોમાં રાહુલ ગાંધીનું એક એનિમેટેડ પાત્ર ‘મુસ્લિમ’ લખેલું મોટા કદનું ઈંડું અનામતના માળામાં રાખે છે. ત્યાર બાદ ઈંડામાંથી નીકળેલા બચ્ચા માંથી મોટા બચ્ચાને રાહુલ ગાંધી ‘ફંડ’ લખેલા પેકેટમાંથી ખોરાક ખવડાવે છે, એવું દર્શાવવામાં આવ્યું છે. ત્યાર બાદ મોટું બચ્ચું બાકીના બચ્ચાને માળાની બાહર ફેંકી દે છે.કાર્ટૂન વિડીયોમાં કોંગ્રેસના નેતાઓ SC, ST અને OBC પર મુસ્લિમ સમુદાયની તરફેણ કરતા દર્શાવવામાં આવ્યા છે.
રમેશ બાબુએ પત્રમાં જણાવ્યું છે કે, “ઉક્ત વિડિયોમાં, એવું દર્શાવવામાં આવ્યું છે કે મુસ્લિમ સમુદાયના મોંમાં ભંડોળ આપવામાં આવે છે અને મુસ્લિમ સમુદાય SC, ST અને OBC સમુદાયને બહાર કાઢી મુકે છે.”
તેમણે આરોપ લગાવ્યો કે આ કાર્ટૂન માત્ર આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન જ નથી કરતું, પરંતુ 1989ના SC/ST પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો બને છે.
કૉંગ્રેસના નેતાએ ચિંતા વ્યક્ત કરી હતી કે આવી હરકતો સમુદાયો વચ્ચે નફરત અને દ્વેષ પેદા કરી શકે છે, ખાસ કરીને 14 મતવિસ્તારોમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી દરમિયાન.