દિલ્હીમાં કંઝાવાલા કાંડ-પાર્ટ-2નીચે દબાયેલા ડ્રાઇવરને ઘસડી ગઇ કાર, થયું દર્દનાક મૃત્યુ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલે રાત્રે દિલ્હીની સડકો પર એક એવો નજારો જોવા મળ્યો હતો જેણે ફરી એકવાર દિલ્હીને શરમમાં મૂકી દીધું છે. દિલ્હીના બહુચર્ચિત કંઝાવાલા કાંડ જેવી જ એક ઘટના રાષ્ટ્રીય રાજધાનીના દક્ષિણ-પશ્ચિમ જિલ્લાના મહિપાલપુર વિસ્તારમાં જોવા મળી હતી.
મળતી માહિતી મુજબ દિલ્હીના વસંત કુંજ નોર્થ વિસ્તારમાં ટેક્સીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટેક્સી ડ્રાઇવરે તેની ટેક્સી લૂંટવા આવેલા લૂંટારુઓનો પ્રતિકાર કરતા તેને લગભગ 200 મીટર સુધી ચાલુ ટેક્સીમાં ઘસડવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત થઈ ગયું હતું. લૂંટારાઓએ પહેલા ટેક્સી ડ્રાઈવરની કાર લૂંટી અને પછી તેને કારમાં 200 મીટર સુધી ખેંચી ગયા હતા. પોલીસને આ ઘટનાની માહિતી ગઈકાલે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ મળી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને માથામાં ગંભીર ઈજા સાથે રોડ પર એક ડ્રાઈવર ગંભીર હાલતમાં જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ ઘટનામાં ડ્રાઈવરનું મૃત્યુ થયું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ 43 વર્ષીય બિજેન્દ્ર તરીકે થઈ છે, જે ટેક્સી ડ્રાઈવર હતો અને ફરીદાબાદનો રહેવાસી હોવાનું કહેવાય છે.
પોલીસ આ ઘટનાને હિટ એન્ડ રનના કિસ્સાનું પુનરાવર્તન માની રહી છે જેમાં નવા વર્ષના દિવસે દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં 20 વર્ષીય મહિલા કારની નીચે ફસાઈ ગઈ હતી અને તેને લાંબા અંતર સુધી ઘસડવામાં આવી હતી, પરિણામે તેનું મૃત્યુ થયું હતું.