‘…દુકાનનું નામ હિન્દુ દેવી-દેવતાઓ પર ન રાખવું જોઈએ’ ઉત્તર પ્રદેશના પ્રધાને આવું કેમ કહ્યું
લખનઉ: શ્રાવણ મહિનામાં યોજાનારી કાવડ યાત્રા(Kanwar Yatra)ને ધ્યાનમાં રાખીને ઉત્તર ભારતના રાજ્યોની સરકારોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) સરકાર અને વહીવટીતંત્ર પણ યાત્રાની તૈયારીઓ કરી રહી છે, કાવડ યાત્રા પહેલા ઉત્તર પ્રદેશ સરકારના પ્રધાન કપિલ દેવ અગ્રવાલે(Kapil Dev Agrawal) મુઝફ્ફરનગરમાં યાત્રા દરમિયાન કેમ્પના સંચાલકો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ કપિલ દેવ અગ્રવાલે કહ્યું કે જે મુસ્લિમો કાવડ મેળામાં હિંદુ દેવી-દેવતાઓના નામ પર પોતાની દુકાનો ચલાવે છે, તેમણે આવું ન કરવું જોઈએ.
કપિલ દેવ અગ્રવાલે કહ્યું, ‘કાવડ મેળામાં મુસ્લિમ લોકો હિંદુ દેવી-દેવતાઓના નામે પોતાની દુકાનો ચલાવે છે. તે પોતાની દુકાન ચલાવે તેમાં અમને કોઈ વાંધો નથી પણ તેણે દુકાનનું નામ હિંદુ દેવી-દેવતાઓના નામ પર ન રાખવું જોઈએ કારણ કે બહારથી આવતા કાવડિયાઓ ત્યાં બેસીને ચા-પાણી પીવે છે અને જ્યારે તેઓને આ વાતની જાણ થાય છે ત્યારે તે વિવાદનું કારણ બને છે. તેથી આ બાબતમાં પારદર્શિતા હોવી જરૂરી છે. જેથી તે પછીથી કોઈ વિવાદનું કારણ ન બને.’
થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમારે આગામી કાવડ યાત્રા અને મોહરમની સુરક્ષા વ્યવસ્થા બાબતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કાવડ યાત્રા અને મોહરમના જુલૂસના રૂટ અંગે તેમણે કહ્યું કે ડિજિટલ સ્વયંસેવકો અને નાગરિક સંરક્ષણની મદદથી સુરક્ષા યોજના બનાવવી જોઈએ. ડીજીપીએ કહ્યું કે કોઈ નવી પરંપરાને મંજૂરી ન આપવી જોઈએ અને કાવડ યાત્રાના રૂટ અગાઉથી તપાસી લેવા જોઈએ. આ ઉપરાંત, તેમણે મિશ્ર વસ્તીવાળા વિસ્તારો અને હોટસ્પોટ્સમાં વધારાના પોલીસ દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો.