રામ મંદિર પ્રતિષ્ઠાન સમારોહમાં કન્નૌજના અત્તરનો થશે ઉપયોગ

કન્નૌજઃ ઉત્તર પ્રદેશના કન્નૌજના પરફ્યુમર્સ કે જે સમગ્ર પરફ્યુમ ઈન્ડસ્ટ્રી માટે જાણીતા છે. તેઓએ રામ લલ્લા માટે કેટલાક ખાસ અત્તર તૈયાર કર્યા છે, જે ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક સમારોહ માટે અયોધ્યા મોકલવામાં આવશે.
કન્નૌજ અત્તર્સ અને પરફ્યુમ્સ એસોસિએશનના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ખાસ પ્રકારના પરફ્યુમ અને સુગંધિત પાણી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવશે. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અત્તર બનાવનારાઓએ સાથે મળીને રામ લલ્લા માટે કેટલીક ખાસ સુગંધ તૈયાર કરી છે. એક રથ પર વિવિધ પ્રકારના અત્તર અને સુગંધિત પાણી એકત્રિત કર્યા પછી, તેને શહેરના પ્રવાસ પર લઇ જવામાં આવશે. ત્યાર બાદ તે અત્તર અયોધ્યા મોકલવામાં આવશે.
ગુલાબમાંથી બનાવેલું ગુલાબ જળ તૈયાર કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ રામ લલ્લાના સ્નાન માટે કરવામાં આવશે તેમ જ કન્નૌજના પ્રખ્યાત અત્તર જેમ કે અત્તર મિટ્ટી, અત્તર મોટિયા, રુહ ગુલાબ, ચંદનનું તેલ અને મેંદીનો ઉપયોગ દેવતાની આસપાસ સુગંધિત વાતાવરણ બનાવવા માટે કરવામાં આવશે.
શિયાળાને ધ્યાનમાં રાખીને કન્નૌજના અત્તરવાળાઓએ રામ લલ્લા માટે અત્તર શમામા પણ તૈયાર કર્યા છે, જે ઠંડીથી બચાવવામાં મદદ કરે છે. આ ખાસ પરફ્યુમ બનાવવામાં જડીબુટ્ટીઓના મિશ્રણનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહનું આયોજન થવાનું છે.