નેશનલ

Gold Smuggling Case: કન્નડ અભિનેત્રી રાન્યા રાવે ડીઆરઆઈ સામે કર્યા આ અનેક ખુલાસા…

નવી દિલ્હી : બહુચર્ચિત સોનાની દાણચોરીના કેસમાં(Gold Smuggling Case)ધરપકડ કરેલી કન્નડ અભિનેત્રી રાન્યા રાવે ડીઆરઆઈ દ્વારા પૂછપરછમાં અનેક ખુલાસા કર્યા છે. રાન્યા રાવે જણાવ્યું છે કે તે ફોટોગ્રાફી અને રિયલ એસ્ટેટના વ્યવસાયના સંદર્ભમાં મુસાફરી કરતી હતી.

Also read : કન્નડ અભિનેત્રીના દાણચોરીના કેસમાં અમારા પ્રધાનો સામેલ નહીંઃ કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાને કરી સ્પષ્ટતા

એક વિદેશી ફોન નંબર પરથી ફોન આવ્યો હતો

રાન્યા રાવને જ્યારે દુબઈની યાત્રા વિશે પૂછતા જણાવ્યું હતું કે, મે અનેક વાર યુરોપ, અમેરિકા, આફ્રિકા અને મધ્ય પૂર્વની મુલાકાત લીધી છે. મને છેલ્લા 2 અઠવાડિયાથી અજાણ્યા વિદેશી નંબરો પરથી ફોન આવી રહ્યા છે. 1 માર્ચના રોજ એક વિદેશી ફોન નંબર પરથી ફોન આવ્યો હતો.

યુટ્યુબ પરથી સોનું કેવી રીતે છુપાવવું તે શીખ્યું હતું

રાન્યા રાવે પૂછતાછમાં જણાવ્યું હતું કે, મને દુબઈ એરપોર્ટના ટર્મિનલ- 3 ના ગેટ-એ પર જવાની સૂચના આપવામાં આવી હતી. તેને ત્યાંથી સોનું મેળવીને બેંગલુરુ પહોંચાડવાનું કહેવામાં આવ્યું. આ પહેલી વાર હતું જ્યારે મેં દુબઈથી બેંગલુરુમાં સોનું દાણચોરીથી લાવ્યું. મેં પહેલાં ક્યારેય દુબઈથી સોનું ખરીદ્યું નથી. જોકે, રાન્યાએ તેને સૂચના આપનાર વ્યક્તિની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. રાન્યાએ એ પણ ખુલાસો કર્યો કે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પરથી સોનું કેવી રીતે છુપાવવું તે શીખ્યું હતું.

સુરક્ષા તપાસ પછી તેણે મને સોનાની લગડી આપી

ડીઆરઆઈની પૂછપરછ દરમિયાન ખુલાસો કરતા રાન્યાએ જણાવ્યું હતું કે ફોન કરનારનો ઉચ્ચાર આફ્રિકન-અમેરિકન જેવો હતો. તેણે મને કહ્યું કે તે મને દુબઈ એરપોર્ટ પર સફેદ ગાઉનમાં મળશે. અમે દુબઈ એરપોર્ટ પર ટર્મિનલ 3 ના ગેટ-A પર મળ્યા. સુરક્ષા તપાસ પછી તેણે મને સોનાની લગડી આપી. તેની બાદ તરત જ તે ત્યાંથી નીકળી ગયો. તેની ઉંચાઇ લગભગ 6 ફૂટ હતી અને ગોરો હતો. હું તેને ફરી ક્યારેય નથી મળી.

સોનું પ્લાસ્ટિકથી કવર કરેલા બે પેકેટમાં હતું

રાન્યા રાવે આગળ જણાવ્યું કે સોનું પ્લાસ્ટિકથી કવર કરેલા બે પેકેટમાં હતું. મેં એરપોર્ટ પર ક્રેપ બેન્ડેજ અને કાતર ખરીદી અને એરપોર્ટના ટોયલેટમાં મારા શરીર પર સોનાની લગડી ચોંટાડી દીધી. મેં સોનું મારા જીન્સ અને શૂઝમાં છુપાવી દીધું. હું આ બધું યુટ્યુબ વીડિયો જોઈને શીખી હતી.

ઓટો-રિક્ષામાં સોનું મૂકવાનું કહેવામાં આવ્યું હતું

રાન્યા રાવને જ્યારે તેના ફ્લાઇટ બુકિંગ વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે તેણે ટિકિટ બુક કરવા માટે તેના પતિ જતીન વિજય કુમારના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. તેમજ મને સોનાની લગડીકોઈ અજાણ્યા વ્યક્તિને સોંપવાની સૂચના આપવામાં આવી હતી. મને એરપોર્ટ ટોલ ગેટ પછી સર્વિસ રોડ લેવાનું કહેવામાં આવ્યું. મારે સિગ્નલ પાસે એક ઓટો-રિક્ષામાં સોનું મૂકવાનું કહેવામાં આવ્યું હતું. તેમજ ઓટો-રિક્ષાનો નંબર આપવામાં આવ્યો ન હતો.

Also read : સોનાની દાણચોરીમાં પકડાયેલી અભિનેત્રી કોર્ટમાં ધ્રુસકે ને ધ્રુસકે રડી, કહ્યું- મને ઉંઘ પણ નથી આવતી

રાન્યા પાસે કરોડોનું સોનું મળી આવ્યું

ઉલ્લેખનીય છે કે 3 માર્ચે ડીઆરઆઈએ અભિનેત્રી રાન્યા રાવને 12.56 કરોડ રૂપિયાના સોનાની લગડીઓ સાથે બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયતમાં લીધી હતી. બીજા દિવસે, ડીઆરઆઈએ બેંગલુરુમાં રાન્યાના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યાંથી 2.06 કરોડની કિંમતના સોનાના દાગીના અને રોકડ જપ્ત કરવામાં આવી હતી. ડીઆરઆઈ ઉપરાંત સીબીઆઈ પણ આ કેસની તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button