કંગના ભાજપા કે અંગના: વિવાદ ‘કવીને’વધુ વટાણા વેર્યા ; જુઓ બાપુ માટે શું કહી દીધું ?
ફિલ્મી પરદે સંવાદ ગોખીને બોલી બતાવનારી કંગના રનૌત હવે ભાજપ માટે ‘બલા’સાબિત થઈ રહી હોવાની પ્રતીતિ ખુદ નેતાઓને થઈ રહી હોય તો નવાઈ નહીં. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી પર હિમાચલની મંડીના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતની સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ છેડાઈ ગયો છે. આને મહાત્મા ગાંધીના અપમાન તરીકે જોવામાં આવી રહ્યું છે.
કંગનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે- “દેશના પિતા નહીં, દેશના તો લાલ હોય છે. ધન્ય છે, આ ભારત માતાના પુત્રો.” આની નીચે કંગનાએ લાલ બહાદુર શાસ્ત્રીનો ફોટો મૂક્યો છે.
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતી છે. કંગનાએ આ પોસ્ટ લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતી પર જ કરી છે. જો કે આ પોસ્ટ દ્વારા તેમણે મહાત્મા ગાંધી પર નિશાન સાધ્યું છે. કંગના રનૌતે વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે કહી રહી છે કે સ્વચ્છતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી સ્વતંત્રતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીના આ વિઝનને આગળ લઈ જઈ રહ્યા છે. આ અભિયાનની થીમ છે, સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા.
આ આપણા ભારતની સંપત્તિ અને વારસો છે. આપણો દેશ સંસ્કાર અને સ્વભાવમાં સર્વશ્રેષ્ઠ હોવો જોઈએ, જેથી આપણી આવનારી પેઢી વડીલો, બાળકો અને મહિલાઓ પ્રત્યે સંવેદનશીલ બને. અંતમાં કંગના કહે છે કે, સ્વચ્છતા અભિયાન ઉજવવામાં આવે છે, સંસ્કાર અને સ્વભાવ સ્વચ્છતાની સાથે.
પંજાબ બીજેપીના વરિષ્ઠ નેતા હરજીત ગ્રેવાલે કહ્યું, કંગના રનૌત, જે મંડીથી સાંસદ છે અને એક ફિલ્મ સ્ટાર પણ છે, તેમણે ગાંધીજી વિશે નિવેદન આપ્યું છે, જે ખૂબ જ શરમજનક છે. ગ્રેવાલે કહ્યું કે તેમણે મહાત્મા ગાંધી વિશે નિવેદન આપ્યું છે. વધુમાં કહ્યું કે, તેમણે મહાત્મા ગાંધીને તો પસંદ નથી કર્યા, પણ લાલ બહાદુરને પસંદ કર્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, કોઈએ તેમને કહેવું જોઈએ કે લાલ બહાદુર શાસ્ત્રી ગાંધીજીના સૌથી મોટા સમર્થક હતા. જો તમે શિષ્યનું સન્માન કરી રહ્યા છો અને તેમના માર્ગદર્શકનું અપમાન કરી રહ્યા છો તો ક્યાંનું શાણપણ છે. કંગનાના વિચારો નાથુરામ ગોડસેના વિચારો છે. હું સમજી શકુ છું કે મંડીના લોકોથી ભૂલ થઈ ગઈ છે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે.