કંગના રનૌત ‘ઇમરજન્સી’ ફિલ્મ કટ્સ સાથે રિલીઝ કરવા સંમત! જાણો હાઈ કોર્ટમાં સુનાવણી દરમિયાન શું કહ્યું?
મુંબઈ: કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ છે, ફિલ્મને સર્ટીફીકેટ આપવાનો મુદ્દો બોમ્બે હાઈ કોર્ટમાં પહોંચ્યો છે. આજે હાઈ કોર્ટ ફિલ્મની રિલીઝ બાબતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે કંગના રનૌત, જે ફિલ્મ ‘ઇમર્જન્સી’ની સહ-નિર્માતા છે, તે બોર્ડ દ્વારા સૂચવવામાં આવેલા કટ માટે સંમત છે.
રિપોર્ટ અનુસાર, CBFCનું પ્રતિનિધિત્વ કરતા વકીલ અભિનવ ચંદ્રચુડે જસ્ટિસ બીપી કોલાબાવાલા અને ફિરદોશ પૂનીવાલાની બેન્ચ સમક્ષ આ દલીલ કરી હતી.
ફિલ્મના સહ-નિર્માતા ઝી સ્ટુડિયોની અરજી પર હાઈકોર્ટ સુનાવણી કરી રહી હતી, જેમાં ફિલ્મ માટે સેન્સર સર્ટિફિકેટ આપવાની માંગ કરવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મ શીખ સમુદાયને વાંધાજનક રીતે રજૂ કરે છે.
અહેવાલ અનુસાર, ઝી સ્ટુડિયોઝ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શરણ જગતિયાનીએ બેન્ચને જણાવ્યું હતું કે રનૌતે CBFC સાથે બેઠક કરી હતી અને ફિલ્મમાં કેટલાક કટ અંગેના સૂચનો માટે સંમત થયા હતા. સીબીએફસીએ ફિલ્મમાં કુલ 13 ફેરફારો સૂચવ્યા છે.
નોંધનીય છે કે કંગનાએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે તેની ફિલ્મના કોઈપણ ભાગને કાપશે નહીં અને તેને મૂળરૂપમાં રિલીઝ કરવા માટે પ્રતિબદ્ધ છે.
સીબીએફસીએ નિર્માતાઓને એક ડિસ્ક્લેમર શામેલ કરવા વિનંતી પણ કરી છે જેમાં કહેવામાં આવે કે આ ફિલ્મ “સાચી ઘટનાઓથી પ્રેરિત” છે અને “નાટ્યરૂપાંતર” છે. સેન્સર બોર્ડે સંજય ગાંધી અને જ્ઞાની ઝૈલ સિંહ વચ્ચેના ખાસ સંવાદમાંથી ‘સંત’ અને ‘ભિંડરાવાલે’ જેવા શબ્દોને હટાવવાની ભલામણ કરી છે.
પૂર્વ વડાપ્રધાન અને ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની વાતચીતને ડિલીટ કરવાની પણ માંગ કરવામાં આવી છે. બોર્ડે ફિલ્મ નિર્માતાઓને શીખ આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાવાલેની પ્રશંસા કરતા વાક્યને દૂર કરવા પણ કહ્યું હતું. નિર્માતાઓને એ દ્રશ્યો અને સંવાદો દૂર કરવા પણ કહેવામાં આવ્યું છે જે બિન-શીખોને નિશાન બનાવતા દર્શાવે છે.
બોર્ડે નિર્માતાઓને ફિલ્મમાં ઉલ્લેખિત તમામ આંકડાઓ, નિવેદનો અને સંદર્ભોના દસ્તાવેજી પુરાવા સબમિટ કરવા પણ કહ્યું છે.