કમૂરતા ક્યારથી લાગશે, જાણો શું કરવું જોઇએ અને શું નહીં કરવું જોઇએ…
સનાતન ધર્મમાં ખરમાસ એટલે કે કમુરતાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ અને સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે એનાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ અને સુખ આવે છે.
આ પણ વાંચો : ચિંતન: સ્થિતિનું સ્થાન-ઈશ્વર ક્યાં છે
સનાતન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે ખરમાસ અર્થાત કમુરતા દરમિયાન ભૂલથી પણ શુભ કાર્ય ના કરવા જોઇએ. તેનાથી સફળતા મળતી નથી અને વ્યક્તિને ભારે સંઘર્ષ કરવો પડે છે. કમુરતાના સમયગાળા દરમિયાન અમુક કાર્ય કરવા પ્રતિબંધિત છે. આપણે કમુરતા ક્યારથી છે એ જાણીએ.
જ્યોતિષ પ્રમાણે સૂર્યદેવના મીન અને ધન રાશિમાં ગોચરથી કમુરતા શરુ થાય છે. જ્યોતિષ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય મીન કે ધન રાશિમાં હોય, ત્યારે કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. આ સમય દરમિયાન માત્ર જપ, તપ અને સ્નાન કરવું જોઈએ. કમુરતાનો સમયગાળો 15મી ડિસેમ્બર 2024થી શરૂ થઈ રહ્યો છે. આ દિવસ સૂર્ય ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે. સૂર્ય ધન રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશે ત્યારે કમુરતા પૂરા થશે. એ મુજબ કમુરતા 14 જાન્યુઆરી 2025ના રોજ મકરસંક્રાંતિના રોજ સમાપ્ત થશે.
એમ કહેવાય છે કે જ્યારે સૂર્ય ગુરુની રાશિ મીન અથવા ધનુમાં હોય છે, ત્યારે ગુરુની શક્તિઓ નબળી પડી જાય છે. ગુરુને ભાગ્યનો કારક માનવામાં આવે છે. આ જ કારણ છે કે જ્યારે ગુરુની શક્તિઓ ઓછી હોય તો શુભ કાર્યનું ફળ મળતું નથી. તેથી આ સમયગાળા દરમિયાન શુભકાર્ય કરવાનું વર્જિત માનવામાં આવે છે.
આ સમયગાળા દરમિયાન કોઈ નવું કામ શરૂ ન કરવું જોઈએ. આ સમયગાળામાં લગ્ન, નામકરણ વિધિ, અન્ન દાન જેવા શુભકાર્યો ના કરવા જોઇએ. ખરમાસમાં ઘર બાંધવાનું શરૂ ન કરવું જોઈએ. તામસિક ખોરાક ન ખાવો.
આ પણ વાંચો : અલખનો ઓટલો: ગુજરાતનાં લોકનૃત્યો ને લોકસંગીત
કમૂરતાના સમયગાળા દરમિયાન સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ. અન્ન અને પૈસા મંદિર કે ગરીબોને દાન કરવા જોઇએ. સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. પૂજા કરતી વખતે મંત્રોનો જાપ કરવો જોઈએ.