નેશનલ

‘અરે છોડો અખિલેશ-વખિલેશ..’ કમલનાથે મીડિયા સામે આબરું કાઢી! વીડિયો સો.મીડિયામાં વાઇરલ

ચૂંટણી આવે એટલે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવાની મોસમ. મધ્યપ્રદેશમાં સપા અને કોંગ્રેસ વચ્ચેના ગજગ્રાહમાં હવે ખુલ્લેઆમ શાબ્દિક તલવારો તણાઇ રહી છે. મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમ બાદ મીડિયા જ્યારે અખિલેશ યાદવના નિવેદન પર કમલનાથ પાસે પ્રતિક્રિયા માગી રહ્યું હતું ત્યારે કમલનાથે “અરે છોડો અખિલેશ-વખિલેશ…” કહીને જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગયા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે, અને વીડિયો પરથી મધ્યપ્રદેશમાં અખિલેશ અને તેની સમાજવાદી પાર્ટીની સ્થિતિ શું છે તેનું લોકો અનુમાન લગાવી રહ્યા છે.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ પોતાના મતક્ષેત્ર છિંદવાડાની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે મીડિયાને કહ્યું હતું કે, માહોલ ખુબ સારો છે, ટિકિટ જાહેર કરાયા બાદ ફોન આવી રહ્યા છે અને અમે વધુ બેઠકો મેળવીશું. આ દરમિયાન કમલનાથને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અંગે પ્રશ્ન કરાયો તો તેઓ ભડકી ઉઠ્યા. મીડિયાએ કમલનાથને પૂછ્યું કે, અખિલેશ યાદવે કોંગ્રેસ પર વિશ્વાસઘાતના આરોપો લગાવ્યા છે, તેમાં તમારું શું કહેવું છે? આ સવાલ કરાતા જ કમલનાથ બોલ્યા, ‘અરે ભાઈ છોડો અખિલેશ વખિલેશ…’

સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થતા જ સપા નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે શિવપાલ યાદવે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓએ તેમના લોકોને બોલવા પર રોક લગાવી દેવી જોઇએ. કોંગ્રેસના જે મોટા નેતાઓ છે તેમણે તમામ પક્ષોને સાથે રાખીને ચાલવું પડશે. સમાજવાદી પાર્ટી સાથે પણ મળીને ચાલવું પડશે. સપા વગર કોંગ્રેસ ભાજપ સામે નહિ લડી શકે.
બીજી તરફ અખિલેશે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આખરે અન્ય પક્ષોને પોતાની સાથે રાખવામાં કોંગ્રેસને શું વાંધો છે ? કોઈ પક્ષમાં તાકાત હોય તો તેને પોતાની સાથે રાખવો જોઈએ. મને એ દિવસો યાદ છે, જ્યારે કોંગ્રેસને પોતાની સરકાર બનાવવી હતી, ત્યારે સવારથી સાંજ સુધી અમારા ધારાસભ્યોને શોધતા રહ્યા હતા. જો અમને ખબર હોત કે આમ થવાનું છે તો અમે ગઠબંધનમાં જોડાયા ન હોત. તેમના ફોન પણ ઉઠાવ્યા ન હોત.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button