ગુવાહાટી: ગુવાહાટીમાં 11,600 કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીને સંબોધી હતી. (PM Narendra Modi in Guwahati) PM મોદીએ કહ્યું હતું કે કોઈ પણ દેશ તેના ઈતિહાસને ભૂંસીને પ્રગતિ કરી શકતો નથી. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 498 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા કામાખ્યા મંદિર કોરિડોર પ્રોજેક્ટ (kamakhya temple corridor project) અંગે તેમણે કહ્યું હતું કે, તે પૂર્ણ થયા બાદ આ શક્તિપીઠમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે અને તેનાથી દેશના સમગ્ર ઉત્તર-પૂર્વ પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે.
આ સાથે તેમણે દાવો કર્યો હતો કે આઝાદી પછી સત્તામાં રહેલા લોકો ધાર્મિક સ્થળોના મહત્વને સમજી શક્યા નથી અને રાજકીય કારણોસર તેમને પોતાની સંસ્કૃતિ પ્રત્યે શરમ અનુભવતા હતા. PM મોદીએ કહ્યું હતું કે આ પૂર્વોત્તરનું પ્રવેશદ્વાર બનશે. આ આપણી સંસ્કૃતિના પ્રતીકો છે અને હજારો વર્ષોના પડકારો છતાં આપણે તેને સાચવી રાખ્યા છે. આમાંના ઘણા પ્રતીકો, જે આપણી મજબૂત સંસ્કૃતિનો ભાગ હતા, આજકાલ ખંડેર બની ગયા છે.
તેમણે કહ્યું હતું કે કામખ્યા દિવ્યલોક પરિયોજના’ આ શક્તિપીઠની યાત્રાના અનુભવને સંપૂર્ણપણે બદલી નાખશે. વડાપ્રધાને દાવો કર્યો હતો કે આઝાદી બાદ લાંબા સમય સુધી સરકાર પર શાસન કરનારા લોકો આવા ધાર્મિક સ્થળોનું મહત્વ સમજી શક્યા નથી અને તેમની ઉપેક્ષા કરી છે. તેમણે કહ્યું હતું કે રાજકીય લાભને લીધે, તેઓએ પોતાની સંસ્કૃતિ અને ઈતિહાસથી શરમાવાની વૃત્તિ સ્થાપિત કરી. કોઈ પણ દેશ તેના ઈતિહાસને ભૂલીને અને તેના મૂળને કાપીને વિકાસ કરી શકતો નથી.
જો કે તેને તેની ડબલ એન્જિનવાળી સરકારમાં છેલ્લા 10 વર્ષમાં સ્થિતિઓ બદલાયાનો દાવો કર્યો હતો અને આસામનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે આ એક એવું સ્થળ છે કે જ્યાં ધર્મ, અધ્યાત્મિકતા અને ઇતિહાસ આધુનિકતા સાથે જોડાયેલા છે.
મોદીએ કહ્યું કે તેમણે જે પ્રોજેક્ટ શરૂ કર્યા છે તે માત્ર પૂર્વોત્તરમાં જ નહીં પરંતુ બાકીના દક્ષિણ એશિયા સાથે પણ કનેક્ટિવિટી મજબૂત કરશે. તેમણે કહ્યું, “આજે યુવાનો ઈચ્છે છે કે આસામ અને પૂર્વોત્તરનો વિકાસ દક્ષિણ એશિયાની જેમ થવો જોઈએ. તમારું સ્વપ્ન મોદીનો સંકલ્પ છે. મોદી તમારું સપનું પૂરું કરવામાં કોઈ કસર છોડશે નહીં. આ મોદીની ગેરંટી છે.