વિધાનસભા ચૂંટણીઃ એમપીમાં ભાજપના ઉમેદવારે છુપાવ્યા દુષ્કર્મો, ઉમેદવારી રદ કરવાની માગણી
ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય દ્વારા આગામી મધ્યપ્રદેશની ચૂંટણીઓ માટે ઇન્દૌર-1 બેઠક પરથી હાલમાં જ ઉમેદવારી નોંધાવવામાં આવી છે, જો કે ચૂંટણીની એફિડેવિટમાં તેમણે તેમના પર ચાલી રહેલા 5 કેસની વિગતો આપી હતી જ્યારે દુષ્કર્મના કેસ સહિત અન્ય ગંભીર કેસની વિગતો તેમણે છુપાવી હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.
કૈલાશ વિજયવર્ગીય પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી રહી ચુક્યા છે. તેમના પ્રભારી તરીકેના કાર્યકાળ દરમિયાન એક મહિલાએ તેમના પર દુષ્કર્મ સહિત અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. આ આરોપો સામે વિજયવર્ગીયએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી, જો કે તે અપીલ કોર્ટે ફગાવી દીધી હતી. એ પછી તેમણે સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવી જેમાં સુપ્રીમે નીચલી અદાલતને નિર્ણય પર પુનર્વિચાર કરવાનું જણાવ્યું. એનો અર્થ એવો થયો કે એ કેસ હજુ ચાલુ છે. આ ઉપરાંત છત્તીસગઢમાં 90ના દાયકાના અંતમાં તેમની સામે કેસ દાખલ થયો હતો જેમાં તેઓ કોર્ટ સામે હાજર થયા ન હતા, તે કેસ પણ પેન્ડિંગ હોવાની વિગતો છે.
હવે ઇન્દૌર-1 બેઠકથી તેમણે વિધાનસભા માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. જેમાં આ બંને કેસની વિગતો સામેલ નથી. હવે આ મામલે કોંગ્રેસ તેમને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. આ બેઠકથી કોંગ્રેસની ટિકીટ પરથી ઉભા રહેલા ઉમેદવાર સંજય શુક્લાના વકીલે કલેક્ટર કાર્યાલય પહોંચીને ચૂંટણી આયોગમાં તેમનું ઉમેદવારી પત્ર રદ કરવાની માગ કરતી ફરિયાદ દાખલ કરી છે.
પોતાની છબી ખરડાય નહિ એ માટે કૈલાશ વિજયવર્ગીયએ આ કેસની વિગતો છુપાવી છે તેવું સંજય શુક્લાના વકીલે જણાવ્યું હતું. જો કે રિટર્નિંગ ઓફિસરનું કહેવું છે કે તેઓ ઉમેદવારી રદ કરી ન શકે. એ માટે કલમ 125 હેઠળ અપીલ કરવી પડે. ત્યારે આ સમગ્ર મામલે હવે કોંગ્રેસ ઉમેદવારના વકીલે અપીલ કરવાની તૈયારી બતાવી છે અને જરૂર પડે તો હાઇકોર્ટના દરવાજા પણ ખટખટાવશે તેમ જણાવ્યું છે.
આ અંગે પત્રકારોએ કૈલાશ વિજયવર્ગીયને સવાલો કરતા તેમણે નિવેદન આપ્યું હતું કે તેઓ ફાલતું સવાલોના જવાબ નહિ આપે. “હું ક્યારેય ડર્ટી પોલીટીક્સ કરતો નથી અને પ્રામાણિક અને વિકાસનું રાજકારણ રમુ છું. 90ના દાયકાથી લઇને અત્યાર સુધી આટલી બધી વાર ચૂંટણીઓ યોજાઇ અને હું દરેક વખતે ઉભો રહ્યો, તેમને છેક હવે યાદ આવ્યું કે મારી સામે કેસ પેન્ડિંગ છે? તેઓ જે પ્રકરણોને લઇને મારા પર આરોપ મુકી રહ્યા છે તે કેસ તો મને યાદ પણ નથી.” તેમ કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું હતું.