નેશનલ

કૈલાશ પર્વતના દર્શન માટે હવે ચીન જવાની જરૂર નથી, અહીંથી જ કરી શકશો ભોલેનાથની ઝાંખી…

ભગવાન શિવનું ધામ એવું કૈલાશ સરોવર લાખો શિવભક્તો જોવા માગતા હોય છે અને ત્યાં જઈ દર્શન કરવા માગતા હોય છે. આ કામ હાલ ઘણું અઘરું છે.

અત્યારે ભારતથી કૈલાશ જવાનો સીધો રસ્તો બંધ છે અને ચીનના રસ્તે જવું પડે છે. પણ જો એક અહેવાલનું માનીએ તો ભક્તો ઉત્તરાખંડથી પવિત્ર કૈલાશ પર્વતના દર્શન કરી શકશે. ભક્તોને હવે ચીનના કબજા હેઠળના તિબેટ જવાની જરૂર નથી. નવરાત્રિના પહેલા દિવસે, તીર્થયાત્રીઓના પાંચ સભ્યોના જૂથે પિથોરાગઢ જિલ્લામાં સ્થિત જૂના લિપુલેખથી કૈલાશ પર્વતના દર્શન કર્યા હતા.

કોરોના કાળ પહેલા કેન્દ્ર સરકાર કુમાઉ મંડળ વિકાસ નિગમ દ્વારા કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરતી હતી. તે સમયે શિવભક્તો લિપુપાસથી પગપાળા યાત્રા કરીને ચીન સરહદ પાર કરતા હતા અને કૈલાસ માનસરોવરના દર્શન કરતા હતા. કોરોના કાળથી આ યાત્રા બંધ છે. બીજી તરફ ભારત-ચીન વિવાદને કારણે ચીનની સરકારે હજુ સુધી કૈલાશ માનસરોવર યાત્રા માટે ભારત સરકારને સંમતિ આપી નથી. લાંબા સમયથી શિવભક્તો કૈલાશ માનસરોવરના દર્શન કરવા ઉત્સુક છે, આને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે ભારતની ધરતી પરથી જ શ્રદ્ધાળુઓને પવિત્ર કૈલાશ પર્વતના દર્શન કરાવવાનો નિર્ણય કર્યો છે.

પિથૌરાગઢ જિલ્લામાં સ્થિત સ્થાનિક ગ્રામજનોએ ૧૮ હજાર ફૂટ ઉંચી લિપુલેખ પહાડીઓ પર એક વ્યૂ પોઈન્ટ શોધી કાઢ્યો જ્યાંથી કૈલાશ પર્વત સ્પષ્ટ દેખાય છે. ગ્રામજનોની માહિતીના આધારે અધિકારીઓ અને તજજ્ઞોની ટીમ આવી પહોંચી હતી અને રોડ મેપ, લોકો માટે રહેવાની વ્યવસ્થા, દર્શન સ્થળ સુધી પહોંચવાનો માર્ગ અને અન્ય વ્યવસ્થા માટે સર્વે હાથ ધર્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકાર તરફથી લીલી ઝંડી મળતાં સરકારે ૧૫ સપ્ટેમ્બરથી જૂના લિપુપાસને શ્રદ્ધાળુઓ માટે ખોલવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકાર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ ઉત્તરાખંડ સરકારે યાત્રાના સફળ સંચાલન માટે કામ શરુ કર્યું. કુમાઉ મંડલ ડેવલપમેન્ટ કોર્પોરેશને આ માટે ટુર પેકેજની જાહેરાત કરી છે. ઉત્તરાખંડ ડેવલપમેન્ટ કાઉન્સિલની પહેલ પર, કુમાઉ મંડલ ડેવલપમેન્ટ કોર્પોરેશને કૈલાશ પર્વતની મુલાકાત લેવા માટે ૫ દિવસનું ટૂર પેકેજ બનાવ્યું છે. આ પેકેજમાં ભગવાન શિવના અન્ય બે ધામ આદિ કૈલાશ અને ઓમ પર્વતના દર્શનનો પણ સમાવેશ થાય છે.

પેકેજ હેઠળ પ્રવાસીઓના પ્રથમ ૫ સભ્યોના ગ્રુપે ગુરુવારે કૈલાશ પર્વતની મુલાકાત લીધી હતી. યાત્રીઓના સમૂહને ગયા બુધવારે હેલિકોપ્ટર દ્વારા પિથોરાગઢના ગુંજી નામના સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ગુરુવારે તમામ પ્રવાસીઓને રોડ માર્ગે જૂના લિપુલેખથી ઓમ પર્વત અને કૈલાશ પર્વતના દર્શન કરાવવામાં આવ્યા હતા. શુક્રવારે આ તમામ યાત્રિકોને જોલીકાંગથી આદિ કૈલાશના દર્શન કરાવવામાં આવશે અને ગુંજીમાં રાત્રિ રોકાણ કરવામાં આવશે.

આ પછી, ૫ ઓક્ટોબરે, તમામ મુસાફરોને હેલિકોપ્ટર દ્વારા પિથોરાગઢ પરત લાવવામાં આવશે. યાત્રામાં દર્શન કરવા આવેલા ભક્તએ જણાવ્યું હતું કે ભગવાન શિવના આ પવિત્ર સ્થળોની મુલાકાત લીધા બાદ તેઓ અત્યંત આનંદ અનુભવે છે.

કૈલાસ પર્વત, આદિ કૈલાશના દર્શન અને ઓમ પર્વતની અલૌકિક સુંદરતાએ તેમને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button