Delhi Excise Policy Case: કે. કવિતાને કોર્ટે આપ્યો મોટો ઝટકો

નવી દિલ્હીઃ Delhi Excise Policy Caseમાં દિલ્હીની કોર્ટે આજે એટલે કે 15 એપ્રિલે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાને CBI દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં 23 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. કવિતાની કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
કવિતાની 3 દિવસની ન્યાયિક કસ્ટડી આજે પૂરી થતી હતી, તેથી તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે કવિતા તેના પ્રશ્નોના જવાબ આપી રહી નથી અને તેમણે વધુ ચૌદ દિવસની કસ્ટડી માંગી હતી. કવિતા તરફથી એડવોકેટ નિતેશ રાણા હાજર રહ્યા હતા અને વધુ કસ્ટડી માટે CBIની વિનંતીનો વિરોધ કર્યો હતો. આખરે કોર્ટે 23 એપ્રિલ સુધી કવિતાને ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. સીબીઆઈ દ્વારા 11 એપ્રિલે કવિતાની ન્યાયિક કસ્ટડીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
ED આ કેસમાં મની લોન્ડરિંગના આરોપોની અલગથી તપાસ કરી રહી છે. ED એ 15 માર્ચે હૈદરાબાદના બંજારા હિલ્સ ખાતેના નિવાસસ્થાનેથી BRS નેતા કે. કવિતાની ધરપકડ કરી હતી.
આ કેસમાં 12 એપ્રિલે તેના રિમાન્ડની માંગણી કરતા સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું કે BRS નેતા કવિતાએ નાણાંની વ્યવસ્થા કરવામાં “મોટી ભૂમિકા” ભજવી હતી. સીબીઆઇએ કવિતા પર તાજેતરની પૂછપરછ દરમિયાન અસ્પષ્ટ અને વિરોધાભાસી જવાબો આપવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે BRS નેતા કે. કવિતાએ કહ્યું હતું કે આ સીબીઆઈની કસ્ટડી નથી, આ ભાજપની કસ્ટડી છે.