સંચાર સાથી એપ પર વિવાદ બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું આપ્યું મોટું નિવેદન?

નવી દિલ્હીઃ ભારત સરકારે દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડના જોખમો અને મોબાઇલ ચોરીને રોકવા માટે સૌથી મોટું પગલું ભર્યું હતું. સરકારે તમામ મોબાઇલ કંપનીને ભારતમાં વેચતા પોતાના નવા ફોનમાં સરકારી સાયબર સુરક્ષા એપ ‘સંચાર સાથી’ને પ્રી-લોડ કરીને વેચવાનો આદેશ આપ્યો હતો. જે બાદ વિવાદ શરૂ થયો હતો. સંચાર સાથી એપના ચાલી રહેવા વિવાદ વચ્ચે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, આ એપ દ્વાર કોઈની જાસૂસી નહીં કરવામાં આવે, તેમજ ન તો કોલ મોનિટરિંગ કરવામાં આવશે.
સિંધિયાએ કહ્યું, જો તમે એપનો ઉપયોગ કરવા માંગતા હો તો એક્ટિવેટ કરો, જો ન ઈચ્છતા હો તો એક્ટિવેટ કરવાની જરૂર નથી તમે ઈચ્છો તો તેને ફોનમાંથી ડિલીટ પણ કરી શકો છો. સરકારની જવાબદારી એપને લોકો સુધી પહોંચાડવાનો છે. સરકારનો હેતુ નાગરિકોને છેતરપિંડી, ઓનલાઇન ફ્રોડ અને સાયબર ક્રાઈમથી બચાવવાનો છે.
સિંધિયાએ કહ્યુ કે જ્યારે વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી. તે કંઈકને કંઈક શોધવાનો પ્રયાસ કરે છે, તો અમે તેની મદદ ન કરી શકીએ. અમારૂ કામ ગ્રાહકોની મદદ કરવાનું છે અને તેમની સુરક્ષાની ખાતરી કરવાનું છે. સંચાર સાથી એપ દરેક ગ્રાહકને પોતાની સુરક્ષાની ખાતરી કરવામાં સક્ષમ બનાવે છે. સંચાર સાથી એપ 1.5 કરોડથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી છે.
પ્રિયંકા ગાંધીએ જાસૂસીના આરોપો લગાવ્યા
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકાર પર આરોપ લગાવતાં કહ્યું કે, આ એક જાસૂસી એપ છે. સરકાર દેશને તાનાશાહીમાં બદલવાનો પ્રયાસ કરી રહી છે. નાગરિકોને તેમની ગોપનીયતાનો અધિકાર છે. દરેક વ્યક્તિને તેઓ તે સરકારની નજર વિના પરિવાર અને મિત્રોને સંદેશા મોકલી શકે તેવો ગોપનીયતાનો અધિકાર હોવો જોઈએ. આ માત્ર ટેલિફોન પર છૂપી રીતે નજર રાખવાની વાત નથી.
સંચાર સાથી એક સાઈબર સુરક્ષા એપ છે, જેને સરકારે મે 2023માં પોતાના પોર્ટલ બાદ લોન્ચ કરી હતી. જાન્યુઆરી 2024માં તે મોબાઈલ એપ એન્ડ્રોઈડ અને iOS બંને પર આવી ગઈ. તે યૂઝર્સને મોબાઈલ ચોરી, ફેક કોલ, ફેક સીમ, IMEI ફ્રોડ અને મેસેજ સ્કેમથી બચાવવા માટે બનાવવામાં આવી છે.
આ એપ શું કામ કરે છે?
સંચાર સાથી એપ અનેક પ્રકારની સુરક્ષા સુવિધાઓ આપે છે. જેમ કે…
- ચોરી કે ખોવાયેલા મોબાઈલને સંપૂર્ણ દેશમાં બ્લોક કરી શકે છે.
- પોલીસ અને એજન્સીઓને ફોનના લોકેશન ટ્રેસ કરવામાં મદદ કરી શકે છે.
- “Chakshu” ફીચર દ્વારા ફેક કોલ, એસએમએસ કે વોટ્સએપ મેસેજ રિપોર્ટ કરી શકાય છે.
- તમારા નામ પર કેટલા મોબાઈલ રજિસ્ટર્ડ છે, તે ચેક કરી શકાય છે.
- “Know Your Mobile (KYM)” ફીચર ફોનની ઓથેન્ટિસિટી જણાવે છે કે ફોન નકલી છે કે અસલી.
આપણ વાંચો: ‘જેટલું અંતર, એટલો ટોલ’નો સિદ્ધાંત હાલ પૂરતો અટક્યો; સરકારે ANPR પર કામગીરી શરૂ કરી



