પહલગામ હુમલા પહેલા પણ પાકિસ્તાન ગઈ હતી જ્યોતિ મલ્હોત્રા, થયા પાંચ મોટા ખુલાસા…

ચંડીગઢઃ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા (Jyoti Malhotra)ની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યોતિ મલ્હોત્રાને અંગે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓ અને હિસાર પોલીસ (Hisar Police) દ્વારા જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછ કરવામાં આવી રહી છે. હિસારના એસપી શશાંક કુમારના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો, જ્યોતિની 16 મેના રોજ હિસારના ન્યૂ અગ્રસેન એક્સટેન્શન સ્થિત તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યોતિ પર ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, 1923ની કલમ 3 અને 5 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 152 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
જ્યોતિ પાકિસ્તાનને આપતી હતી ભારતની સંવેદનશીલ જાણકારી
જ્યોતિ મલ્હોત્રાના બેંક ખાતાઓ અને મુસાફરીની વિગતોની તપાસ કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો, મોબાઇલ ફોન, લેપટોપની પણ તપાસ કરવામાં આવી છે. કારણે કે જ્યોતિએ ભારતની સંવેદનશીલ જાણકારી પાકિસ્તાનને આપી હોવાના પુરાવા પોલીસને મળ્યાં છે. તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે, જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાનમાં દૂતાવાસનો અધિકારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશના સંપર્કમાં હતી. એટલું જ નહીં પરંતુ તે અનેક વખત પાકિસ્તાન પણ ગઈ હતી.
જ્યોતિ સોશિયલ મીડિયા દ્વારા દાનિશને આપતી હતી જાણકારી
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, જ્યોતિ વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટથી ભારતની સંવેદનશીલ જાણકારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશને આપતી હતી. જ્યોતિએ પાકિસ્તાન સાથે સાથે ચીનની પણ અનેક વખત મુલાકાત કરી હતી. પોલીસને આશંકા છે કે, તેની આવક પ્રમાણે આ યાત્રાઓ સંભવ નથી. જેથી તેને ક્યાંરથી ફંડિંગ મળતું હોવું જોઈએ! પરંતુ ક્યાંથી? પાકિસ્તાન માટે જાસૂસી કરતા હોવાથી તેના પર અનેક પ્રકારની શંકાઓ થઈ રહી છે.
પહલગામ આતંકી હુમલા પહેલા પણ પાકિસ્તાન ગઈ હતી જ્યોતિ
સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે, જ્યોતિ મલ્હોત્રા પહલગામમાં આતંકવાદી હુમલા પહેલા પણ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. એટલું જ નહીં પરંતુ ભારતના અનેક રાજ્યોમાં જઈને તેણે તસવીરો અને વીડિયો પોતાના કેમેરામાં કેપ્ચર કર્યાં છે. પાકિસ્તાન-ચીન યાત્રાની જાણકારી મળ્યાં બાદ આ પ્રવાસ માટે વિદેશી ભંડોળની શંકા હોવાથી, પ્રવાસ માટેના રૂપિયા ક્યાંથી આવ્યા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. શું જ્યોતિને પાકિસ્તાન-ચીન યાત્રા માટે કોઈ રૂપિયા આપતું હતું? આ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. કારણે કે, તે ટ્રાવેલ વિથ જો (Travel with JO) નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. આ ચેનલના 3.77 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.
પુરીમાં પણ એક મહિલાને મળી હતી જ્યોતિ મલ્હોત્રા
જ્યોતિ મલ્હોત્રા મામલે કરવામાં આવેલી તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે, જ્યોતિ 2024ના ડિસેમ્બરમાં ઓડિશામાં પુરીના પ્રવાસે ગઈ હતી. તેણે પુરીના જગન્નાથ મંદિર અને અન્ય સ્થળોના ફોટા ક્લિક કર્યા હતા. પુરીમાં જ્યોતિ મલ્હોત્રા એક મહિલાને મળી હતી, જે મહિલા તાજેતરમાં પાકિસ્તાનમાં કરતારપુર સાહિબની મુલાકાતે ગઈ હતી. આ માહિતી બાદ પુરી પોલીસ પણ તપાસમાં જોડાઈ ગઈ છે. હજી પણ જ્યોતિ મલ્હોત્રા મામલે તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.
આપણ વાંચો : જ્યોતિ મલ્હોત્રાની આ રીતે ખુલી પોલ, ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચનો પણ બનાવ્યો હતો વીડિયો