
નવી દિલ્હી: પોતાના નિવાસસ્થાનેથી રોકડ મળી આવવાના વિવાદમાં ફસાયેલા હાઈ કોર્ટના જસ્ટિસ યશવંત વર્માને પદ પરથી હટાવવા માટે તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જસ્ટિસ વર્માએ બિનહિસાબી રોકડને લઈને ગેરવર્તણૂકના ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે લોકસભાના ૧૪૫ સાંસદોએ જસ્ટિસ વર્મા વિરુદ્ધ લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યાં હતા, જ્યારે રાજ્યસભામાં ૫૪ સાંસદોએ પણ હાઈ કોર્ટના જજ વર્મા વિરુદ્ધના મહાભિયોગ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે.
કોણે કોણે કર્યા છે હસ્તાક્ષર?
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્ય સભાના સભાપતિ જગદીપ ધનખડને સાંસદો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલા પ્રસ્તાવ બાદ આગળની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ મહાભિયોગ પ્રસ્તાવ બંધારણના અનુચ્છેદ ૧૨૪, ૨૧૭ અને ૨૧૮ હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવને ભાજપ, કોંગ્રેસ, ટીડીપી, જેડીયુ, સીપીએમ સહિત વિવિધ રાજકીય પક્ષોના સાંસદોનો વ્યાપક ટેકો મળ્યો છે. પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરનારા મુખ્ય સાંસદોમાં અનુરાગ ઠાકુર, રવિશંકર પ્રસાદ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રાજીવ પ્રતાપ રૂડી, સુપ્રિયા સુળે, કેસી વેણુગોપાલ અને પીપી ચૌધરી જેવા અગ્રણી નામો શામેલ છે.
આ પણ વાંચો: જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ સંસદમાં રજૂ; 200 થી વધુ સાંસદોએ હસ્તાક્ષર કર્યા…
પર્યાપ્ત સંખ્યામાં સાંસદોની નોટિસ મળી
રાજ્ય સભામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું હતું કે જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયા શરૂ કરવા માટે પર્યાપ્ત સંખ્યામાં સાંસદોની નોટિસ મળી છે. તેમણે પ્રક્રિયાગત પાસાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે જો કોઈ એક સદનમાં આવો પ્રસ્તાવ આવે તો પીઠાધિકારી (પ્રિસાઇડિંગ ઓફિસર) પાસે તેને સ્વીકાર કે નામંજૂર કરવાનો અધિકાર હોય છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે જો બંને સદનો (લોકસભા અને રાજ્યસભા) માં એક જ દિવસે આવો પ્રસ્તાવ આવે, તો તે ‘સદનની સંપત્તિ’ બની જાય છે, જેનો અર્થ છે કે સદન દ્વારા તેના પર વિચાર કરવો ફરજિયાત બની જાય છે.
આ પણ વાંચો: જસ્ટિસ વર્માના ભ્રષ્ટાચારની તપાસ પણ થવી જોઈએ…
રાજ્યસભામાં કાર્યવાહી આગળ વધારવાનો નિર્દેશ
જગદીપ ધનખડે જણાવ્યું હતું કે મુખ્ય ન્યાયાધીશ, હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એક સભ્યની બનેલી ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિના અહેવાલ બાદ, સ્પીકર અથવા અધ્યક્ષ પ્રસ્તાવ પર નિર્ણય લઈ શકે છે. લોકસભામાં પણ સભ્યોએ સ્પીકરને એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તે વાતની પૃષ્ટિ થયા બાદ રાજ્યસભાના અધ્યક્ષે મહાસચિવને મહાભિયોગ પ્રક્રિયા આગળ વધારવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે.