
નવી દિલ્હી: જસ્ટિસ સૂર્યકાંતે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India – CJI) તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે બે દાયકાથી વધુનો બહોળો અનુભવ ધરાવતા જસ્ટિસ સૂર્ય કાંતનો કાર્યકાળ 9 ફેબ્રુઆરી, 2027 સુધી રહેશે.
જસ્ટિસ સૂર્યકાંતની ન્યાયિક કારકિર્દી અત્યંત નોંધનીય રહી છે. સુપ્રીમ કોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન, તેમણે કેટલાક ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્ત્વના ચુકાદાઓમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમાં જમ્મુ-કાશ્મીર માટેના કલમ 370ને નાબૂદ કરવાના નિર્ણય, અભિવ્યક્તિની સ્વતંત્રતા, લોકશાહી, ભ્રષ્ટાચાર, પર્યાવરણ અને લૈંગિક સમાનતા જેવા સંવેદનશીલ અને બંધારણીય મુદ્દાઓ પરના મહત્ત્વના ચુકાદાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, તેઓ હાઈકોર્ટમાંથી સીધા સુપ્રીમ કોર્ટમાં આવ્યા હતા અને ન્યાયના ક્ષેત્રમાં તેમનો અનુભવ તેમને આ સર્વોચ્ચ પદ માટે વિશેષ યોગ્યતા પ્રદાન કરે છે.
આ શપથ ગ્રહણ સમારોહની વિશેષતા એ રહી કે તેમાં વિદેશી મહેમાનોની નોંધપાત્ર હાજરી જોવા મળી. ભૂટાનના મુખ્ય ન્યાયાધીશ લ્યોન્પો નોર્બુ શેરિંગ, બ્રાઝિલના મુખ્ય ન્યાયાધીશ એડસન ફાચિન અને કેન્યાના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ માર્થા કૂમ જેવા મહાનુભાવો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા. આ ઉપરાંત મલેશિયા, મોરેશિયસ, નેપાળ અને શ્રીલંકાના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશો તેમજ અન્ય વરિષ્ઠ ન્યાયાધીશોએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી.



