સુપ્રીમ કોર્ટના આ ન્યાયાધીશે તોડી વર્ષો જૂની પરંપરા, નિવૃત્તિના દિવસે પણ 11 ચુકાદા આપ્યા…

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના જસ્ટિસ નિવૃત્તિના દિવસે મોટાભાગે કોઈ ચુકાદો નથી સંભળાવતા, પરંતુ આ રીતને એક ન્યાયાધીશે બદલી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએસ ઓકા (Supreme Court Justice Abhay Oka)એ આ રીતને બદલીને નવું ઉદાહરણ આપ્યું છે. ન્યાયાધીશ એએસ ઓકાએ શુક્રવારે તેમના છેલ્લા કાર્યકારી દિવસે અનેક બેન્ચમાં હાજરી આપી અને 11 ચુકાદા આપ્યા છે. મહત્વની વાત છે કે,નિવૃત્તિના છેલ્લા દિવસ પહેલા તેમની માતાશ્રીનું અવસાન થયું હતું. આમ છતાં પણ શુક્રવારે 11 કેસમાં ચુકાદાઓ આપ્યો હતો. નોંધનીય છે કે, તેઓ 31 ઓગસ્ટ, 2021ના રોજ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે જોડાયા હતાં. સુપ્રીમ કોર્ટમાં તેમનો કાર્યકાળ લગભગ 4 વર્ષનો રહ્યો છે.

નિવૃત્તિના છેલ્લા દિવસે કોઈ જજ અદાલતમાં ચુકાદો આપતા નથી
જસ્ટિસ એએસ ઓકાનો શુક્રવારે અદાલતમાં છેલ્લો દિવસ હતો, આ દિવસમાં તેમણે પોતાના વિદાય સમારંભમાં હાજરી તો આપી જ હતી પરંતુ 11 કેસમાં ચુકાદાઓ પણ આપ્યા હતા. સત્તાવાર રીતે તો શનિવારે તેમનો છેલ્લો દિવસ છે, જ્યારે શુક્રવારે તેમના કાર્યકાળનો છેલ્લો દિવસ હતો.મોટા ભાગે પોતાના નિવૃત્તિના છેલ્લા દિવસે કોઈ જજ અદાલતમાં ચુકાદો આપતા નથી. પરંતુ ન્યાયાધીશ એએસ ઓકાએ વર્ષોથી ચાલી આવતી રીતને બદલવાનો પ્રયાસ કર્યો છે.
મને નિવૃત્તિ જેવા શબ્દથી જ નફરત છેઃ જસ્ટિસ એએસ ઓકા
આ મામલે જસ્ટિસ એએસ ઓકાનું કહેવું છે કે, મને નિવૃત્તિ જેવા શબ્દથી જ નફરત છે. વધુમાં તેમણે કહ્યું કે, પોતાની નિવૃત્તિના છેલ્લા દિવસે પણ ચુકાદાઓ આપવા જોઈએ અને બેન્ચનો ભાગ બનવું સારું રહે છે. આ માટે જ જસ્ટિસ એએસ ઓકાએ અનેક સુનાવણીમાં ભાગ લીધો અને ચુકાદાઓ આપ્યાં હતાં. મહત્વની વાત એ છે કે, આ દરમિયાન બેંચનું નેતૃત્વ જસ્ટિસ બીઆર ગવઈએ કર્યું હતું.
દાયકાઓથી સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહી છે આ પરંપરા
વધારે વિગતે વાત કરવામાં આવે તો, કોઈપણ ન્યાયાધીશની નિવૃત્તિ પર મુખ્ય ન્યાયાધીશના નેતૃત્વ હેઠળ એક પ્રતીકાત્મક ન્યાયાધીશ બેસે છે. આ ન્યાયાધીશને આદરપૂર્ણ વિદાય આપવા માટે કરવામાં આવે છે અને આ પરંપરા દાયકાઓથી સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહી છે. નિવૃત્તિના છેલ્લા દિવસ કામ કરવાની વાત સાથે સાથે જસ્ટિસ એએસ ઓકાએ એક બીજી મહત્વની વાત કરી હતી. નિવૃત્તિ થતા જસ્ટિસને બપોરે 1:30 કલાકે ગોર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે, જેમાં પણ વિલંબ કરવા માટે જસ્ટિસે કહ્યું હતું. તેમનું કહેવું છે કે, નિવૃત્તિના દિવસે ઓછામાં ઓછું 4 વાગ્યા સુધી તો કામ કરવું જ જોઈએ.
આપણ વાંચો : જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ FIR દાખલ નહીં થાય! SCએ અરજી કેમ ફગાવી?