ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

રાજકારણમાં મહિલા પ્રતિનિધિત્વની માત્ર વાતો, લોકસભા ચૂંટણી 2024માં કયા પક્ષે કેટલી ટિકિટો આપી?

નવી દિલ્હી: દેશના રાજકારણમાં મહિલા પ્રતિનિધિત્વ સતત ઘટી રહ્યું છે, જે મોટી ચિંતાનો વિષય છે. તમામ પક્ષો મહિલા ઉત્કર્ષની વાતો કરે છે પણ ખરેખર મહિલાઓને લોકસભા ચૂંટણીની ટિકિટ આપવામાં આનાકાની કરે છે.

મહિલાઓ તમામ પક્ષો માટે મોટી વોટ બેંક છે, અને તમામ પાર્ટીઓ તેમને રિઝવવા માટે તમામ પ્રકારના વચનો અને પ્રચાર કરે છે. પરંતુ જ્યારે ટિકિટ શેરની વાત આવે છે, ત્યારે તમામ પક્ષોનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. જ્યારે આંકડા દર્શાવે છે કે ચૂંટણી જીતવામાં મહિલાઓની સફળતાનો દર પુરૂષો કરતા સારો છે.

ખાસ કરીને મહિલાઓને ટિકિટ આપવાના મામલે બંને મુખ્ય રાષ્ટ્રીય પક્ષોની કામગીરી નિરાશાજનક રહી છે. અત્યાર સુધી જાહેર થયેલા કુલ 417 ઉમેદવારોમાંથી ભાજપે માત્ર 16 ટકા એટલે કે 68 મહિલાઓને ટિકિટ આપી છે. જ્યારે, કોંગ્રેસે કુલ 192 જાહેર ઉમેદવારોમાંથી માત્ર 11 ટકા એટલે કે 22 મહિલાઓને ટિકિટ આપી છે.

આ ઉપરાંત કેટલાક પ્રાદેશિક પક્ષોએ આ દિશામાં ઉત્તમ પ્રયાસો કર્યા છે. જેમાં બીજુ જનતા દળે સૌથી વધુ 33 ટકા મહિલાઓને ટિકિટ આપી છે. પાર્ટીએ 21માંથી 7 બેઠકો પર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ પછી તૃણમૂલ કોંગ્રેસે 28 ટકા મહિલાઓને ટિકિટ આપી છે, પાર્ટીના કુલ 42 ઉમેદવારોમાંથી 12 મહિલાઓ છે.

ઉલ્લેખનિય છે કે વર્ષ 2019ની ચૂંટણીમાં પણ સૌથી વધુ મહિલા સાંસદો BJD અને TMCમાંથી ચૂંટાયા હતા. બીજેડીમાંથી સૌથી વધુ 42 ટકા મહિલા સાંસદો ચૂંટાયા હતા, જ્યારે ટીએમસીમાંથી 39 ટકા મહિલા સાંસદો ચૂંટાયા હતા. આ પછી YSRમાંથી 18 ટકા મહિલા સાંસદો, ભાજપમાંથી 14 ટકા, શિવસેનામાંથી 11, ડીએમમાંથી 8 અને જેડીયુમાંથી 4 ટકા મહિલા સાંસદો ચૂંટાઈ હતી.

જો કે, જો દેશની પ્રથમ ચૂંટણી બાદ તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે તો સંસદમાં મહિલાઓની ભાગીદારી સતત વધી છે. વર્ષ 1952ની પ્રથમ ચૂંટણીમાં કુલ 489 સાંસદોમાંથી 22 મહિલાઓ હતી, જે કુલ સાંસદોના 4.4 ટકા હતી. ચૂંટણી પછી આ સંખ્યા વધતી રહી અને 2019ની ચૂંટણીમાં વિક્રમી સૌથી વધુ સંખ્યામાં મહિલા સાંસદો ચૂંટાઈ હતી.

વર્ષ 2019માં 17મી લોકસભામાં સૌથી વધુ 78 મહિલા સાંસદો ચૂંટાયા હતા, જે કુલ સાંસદોના 14 ટકા હતા. આંકડાઓ પર નજર કરીએ તો જીતના મામલે મહિલાઓનો રેકોર્ડ પણ પુરૂષો કરતા સારો રહ્યો છે.

1957માં 48.88 ટકા એટલે કે કુલ 45 મહિલાઓમાંથી 22 મહિલાઓ જીતી હતી, જ્યારે 2019માં સફળતાનો દર 10.74 ટકા રહી હતી. તેની સરખામણીમાં 1957માં 31.7 ટકા પુરુષો જીત્યા હતા. વર્ષ 2019માં પુરૂષ ઉમેદવારોની જીતની ટકાવારી 6.4 ટકા જેટલી ઘટી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button