જહાનાબાદ કોર્ટમાં જજ પર પથ્થરો વડે હુમલો, આરોપીની ધરપકડ
પટણાઃ આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે બિહારમાં કાયદા કાનૂનનું નહીં જંગલ રાજ ચાલે છે. અહીંની કાનૂન વ્યવસ્થા પણ કથળેલી છે વગેરે વગેરે… પણ અહીંની કોર્ટમાં પણ સુરક્ષાના નામે મીંડુ હોવાનું તાજેતરમાં એક બનાવ પરથી જાણવા મળ્યું છે. અહીં એક વ્યક્તિએ ચાલુ કોર્ટે એંદર ઘુસીને પથ્થરમારો કર્યો હતો, જેમાં કોર્ટના જજને પણ પથ્થર વાગ્યો હતો. ચાલો જાણીએ શું છે આ કિસ્સો
જહાનાબાદ સિવિલ કોર્ટમાં એક વ્યક્તિએ એક્સાઇઝ વનના જજ પુષ્પમ કુમાર ઝા પર પથ્થર વડે હુમલો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે જજ તેમના સત્રમાં કેસની સુનાવણી કરી રહ્યા હતા. ત્યારબાદ આરોપીએ અચાનક કોર્ટમાં ઘૂસીને પથ્થરમારો શરૂ કર્યો, જેના કારણે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. જોકે, ઘટના સમયે હાજર સુરક્ષાકર્મીઓની મદદથી તે વ્યક્તિને પકડી લેવામાં આવ્યો હતો. તેને સ્થાનિક સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો, પણ આ ઘટના બાદ કોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થયા છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: હત્યાની સજા ભોગવી રહેલા 104 વર્ષના વૃદ્ધે માંગ્યા જામીન, જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો નિર્ણય
મળતી માહિતી મુજબ જહાનાબાદ સિવિલ કોર્ટ સ્થિત એક્સાઇઝ વનના જજ પુષ્પમ કુમાર ઝા કેસની સુનાવણી કરી રહ્યા હતા. એ સમયે એક વ્યક્તિ અંદર ઘુસી આવ્યો હતો અને પથ્થર ફેંકવા લાગ્યો હતો. તેનો એક પથ્થર જજની સીટ પર પણ પડ્યો હતો, પણ સદભાગ્યે જજને કોઇ ઇજા થઇ નથી. જોકે, તેમને હાથ પર પથ્થર વાગ્યો હતો. આ ઘટનાને કારણે પહેલા તો લોકો અવાચક જ થઇ ગયા હતા, પણ પછી તરત સુરક્ષાકર્મીઓએ પથ્થર ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ જજના આદેશ પર તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો.
પથ્થર ફેંકનાર વ્યક્તિની ઓળખ અખિલેશ કુમાર તરીકે થઇ છે. પ્રાથમિક તપાસમાં અખિલેશ કુમાર માનસિક રીતે અસ્થિર હોવાનું જણાઇ રહ્યું છે. તે જહાનાબાદ જિલ્લાના સોહરૈયા ગામનો રહેવાસી છે. તેની વિગતવાર માહિતી મેળવવામાં આવી રહી છે અને ત્યાર બાદ તેની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, કોર્ટ જેવા સ્થાનો સંવેદનશીલ ગણાય છે અને ત્યાં આવી ઘટના બની હોવાથી કોર્ટની સુરક્ષા સામે પણ સવાલ ઊભા થયા છે.