વન નેશન-વન ચૂંટણી માટે જેપીસીની રચના, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોની સમિતિમાં સામેલ
નવી દિલ્હીઃ વન નેશન વન ઇલેક્શન માટે જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)ની રચના કરવામાં આવી છે. 31 સભ્યોની JPCમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી, મનીષ તિવારી, ભાજપના અનુરાગ સિંહ ઠાકુર અને અનિલ બલુની સહિત 31 સાંસદોનો સમાવેશ થાય છે. આ સમિતિનું નેતૃત્વ ભાજપના સાંસદ પી.પી. ચૌધરી કરશે. વન નેશન- વન ઈલેક્શન બિલ લોકસભામાં સ્વીકારવામાં આવ્યું છે. હવે તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું છે. આ બિલને સત્તાવાર રીતે બંધારણ (એકસો અને વીસમો સુધારો) બિલ, 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ, 2024 નામ આપવામાં આવ્યું છે.
સમિતિમાં કુલ 31 સભ્યો છે, જેમાંથી 21 લોકસભાના અને 10 રાજ્યસભાના છે.
ભાજપના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, પીપી ચૌધરી અને કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રા એ 21 લોકસભા સભ્યોમાં સામેલ છે જે સંસદની સંયુક્ત સમિતિનો ભાગ છે જે એકસાથે ચૂંટણી યોજવા માટેના બે બિલની તપાસ કરશે. લોકસભાની ગુરુવારની કાર્યસૂચિમાં 21 સાંસદોના નામ સામેલ છે જેઓ સમિતિનો ભાગ છે. તેની રચના માટેનો પ્રસ્તાવ કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ રજૂ કરશે.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો પુરુષોત્તમભાઈ રૂપાલા,
ભર્તીહરિ મહતાબ, અનિલ બલુની, સીએમ રમેશ,
બાંસુરી સ્વરાજ, વિષ્ણુ દયાલ રામ અને સંબિત
પાત્રા ભાજપના લોકસભા સભ્યોમાં સામેલ છે, જેઓ આ સમિતિનો ભાગ છે. સૂત્રોએ જણાવ્યું હતું
કે કાયદા રાજ્યમંત્રી રહી ચૂકેલા ચૌધરીને સમિતિના સંભવિત અધ્યક્ષ તરીકે ગણવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ઠાકુર પણ આ પદના દાવેદાર છે. નિયમો અનુસાર, ચેરમેન ઓમ બિરલા અંતિમ નિર્ણય લેશે.
કોંગ્રેસના મનીષ તિવારી અને સુખદેવ ભગત, શિવસેનાના શ્રીકાંત શિંદે, સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ, ટીએમસીના કલ્યાણ બેનરજી, ડીએમકેના ટીએમ સેલ્વગણપતિ, ટીડીપીના જીએમ હરીશ બાલયોગી, એનસીપી (શરદચંદ્ર પવાર) ના સુપ્રિયા સુળે, રાષ્ટ્રીય લોક દળના ચંદન ચૌહાણ તથા જનસેના પાર્ટીના બાલાશોભરી વલ્લભનેની અન્ય લોકસભા સભ્યો છે. રાજ્યસભા ટૂંક સમયમાં સમિતિ માટે તેના 10 સભ્યોના નામની જાહેરાત કરશે. સમિતિમાં સામેલ થનારા લોકસભાના સભ્યોમાંથી 14 ભાજપના નેતૃત્વવાળા NDAના છે, જેમાંથી 10 ભાજપના છે.
જેપીસીની ભલામણો મળ્યા બાદ નરેન્દ્ર મોદી સરકારનો આગામી પડકાર તેને સંસદમાં પસાર કરાવવાનો રહેશે. વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલ બંધારણ સુધારા બિલ હોવાથી લોકસભા અને રાજ્યસભામાં આ બિલ પસાર કરવા માટે વિશેષ બહુમતીની જરૂર છે. અનુચ્છેદ 368(2) હેઠળ બંધારણીય સુધારા માટે વિશેષ બહુમતી જરૂરી છે. આનો અર્થ એ છે કે બિલને દરેક ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભામાં હાજર અને મતદાન કરનારા સભ્યોની બે તૃતીયાંશ બહુમતી દ્વારા મંજૂર કરવું પડશે.
Also Read – આંબેડકર પર ટીપ્પણી બાબતે કોંગ્રેસ આક્રમક, અમિત શાહ સામે આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન મેઘવાલે મંગળવારે ‘વન નેશન વન ઇલેક્શન’ પહેલ હેઠળ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના હેતુથી બે બિલ રજૂ કર્યા હતા, જેનો વિપક્ષે જોરદાર વિરોધ કર્યો હતો. જો કે, આ બિલો નીચલા ગૃહમાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયા હતા. બિલની તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા હતા. વિરોધ પક્ષોએ આ બિલને સંઘવાદ પર હુમલો ગણાવી ટીકા કરી હતી, જ્યારે સરકારે દાવો કર્યો હતો કે આ બિલ બંધારણને અનુરૂપ છે.
કાયદા પ્રધાને કહ્યું હતું કે બંધારણના અનુસંધાનમાં વન નેશન-વન ઈલેક્શન બિલ મૂળભૂત માળખાના
સિદ્ધાંત પર હુમલો કરતું નથી. વન નેશન-વન
ઈલેક્શન બિલ સામેના વાંધાઓ રાજકીય પ્રકૃતિના
છે. વિપક્ષે બિલને તાત્કાલિક પાછું ખેંચવાની માંગ કરી હતી અને તેને બંધારણ અને લોકશાહી પરનો હુમલો
અને સરમુખત્યારશાહી લાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.