તિરુપતિ મંદિરના પ્રસાદ મામલે કેન્દ્ર સરકાર કરશે તપાસ; આસ્થાના મુદ્દે રાજકારણ ગરમાયું

અમરાવતી: વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ મંદિરના પ્રસાદ (Tirupati Temple’s Laddus)માં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થતો હોવાના વિવાદ ચર્ચામાં છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે મંદિરના પ્રસાદની તપાસ કરતાં પ્રસાદમાંથી લાડુમાં ચરબી અને બીફ ઉપયોગમાં લેવાયા હોવાનું ખૂલ્યું છે. આખો મામલો પ્રકાશમાં આવતા વિવાદ વધુ વકર્યો હતો. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ વાયએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકાર પર તિરુમાલા મંદિરની પવિત્રતાને લાંછન લગાડવાના આરોપ મૂક્યા છે.
જેપી નડ્ડાએ આપ્યા તપાસના આદેશ:
તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદના મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ પાસેથી એક વિસ્તૃત અહેવાલ માંગ્યો છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે સરકાર આ મામલે વધુ તપાસ કરશે અને યોગ્ય પગલાં લેશે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નડ્ડાએ કહ્યું, “મને આ મુદ્દા વિશે સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ. આજે મેં ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી અને તેમને સંપૂર્ણ અહેવાલ મોકલવા કહ્યું છે. હું તેની તપાસ કરીશ અને રાજ્યના નિયમનકાર સાથે પણ વાત કરીશ અને જાણીશ કે તેઓ શું કહેવા માંગે છે.
ચંદ્રબાબુ નાયડુના આરોપ:
આ મુદ્દે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના દાવા પર રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાને આ મામલે દોષનો પોટલો પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડીની સરકાર પર ઢોળ્યો છે. તેમણે કહ્યું કે જગન મોહન રેડ્ડીની સરકારના સમયગાળા દરમિયાન તિરુપતિને પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો.
નાયડુ કોઈપણ સ્તર સુધી નીચે ઉતરી શકે:
ચંદ્રબાબુના આ નિવેદન પર રાજ્યના પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCPએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ચંદ્રબાબુ નાયડુ દ્વારા તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને આપવામાં આવેલ નિવેદન ખૂબ જ નીચલી કક્ષાનું છે. કોઈપણ વ્યક્તિ આવા આરોપો લગાવતા પહેલા ચોક્કસ વિચારશે. નાયડુ રાજનીતિમાં કંઈ પણ કરતા શરમાશે નહીં.