પહેલગામના આતંકવાદીઓને શોધવા પૂંછમાં સંયુક્ત ઓપરેશન શરૂ, જોતા જ ઠાર કરવાનો આદેશ

જમ્મુ અને કાશ્મીરઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના આતંકવાદીને શોધી કાઢવા માટે પોલીસ અને સેના દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે. અત્યારે કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ સુરક્ષા એજન્સીઓ દ્વારા મોટું સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પૂંછના લસાણા જંગલ વિસ્તારમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી ધડાધડ ગોળીઓ ચલાવી દીધી હતી. આ હુમલામાં કુલ 26 લોકોનું મોત થયું હોવાની પુષ્ટી કરવામાં આવી છે. પહેલગામની ઘાટીઓમાં પહેલા જ્યાં લોકોનો જમાવડો રહેતો ત્યાં આતંકવાદીઓની આ કાયરાના હરકતના કારણે અત્યારે સન્નાટો છવાઈ ગયો છે. આ પહેલા પ્રવાસીઓ પર આટલો મોટો હુમલો નથી થયો. આતંકવાદીઓને ઠાર મારી દેવા માટે ભારતભરના લોકો કહી રહ્યાં છે. જો કે, સરકાર દ્વારા પણ આતંકીઓને જ્યાં જુઓ ત્યાં ઠાર કરી દેવાનો આદેશ આપવામાં આવેલો છે.
તપાસની વાત કરવામાં આવે તો, પોલીસે ઘાટીમાંથી લગભગ 1,500 લોકોની પુછપરછ માટે અટકાયત કરી છે. આમાં આતંકવાદ સાથે સંબંધ ધરાવતા લોકો પણ સામેલ છે. આ બાબતે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, તે બધાની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, એવો સબુત શોધી રહ્યાં છીએ જે ગુનેગારો સુધી પહોંચાડી શકે અને તેમને સજા આપી શકે. મહત્વની વાત એ પણ છે કે, આતંકી હુમલા બાદ બારામુલામાં બીજા આતંકવાદીઓએ ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં હતાં.
આપણ વાંચો: ભારતીય બેંકો પર અમેરિકાના ટેરિફની કેટલી અસર થશે? લેટેસ્ટ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જે બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે, તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો, ગોળા-બારૂદ અને અન્ય યુદ્ધનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાની ચલણી નોટો પણ જપ્ત કરાઈ છે. ચોંકવનારી વાત તો પહેલગામમાં થયેલો આતંકી હુમલો છે! આખરે આતંકવાદીઓ આવ્યાં ક્યાંથી? ભારતની સુરક્ષા એજન્સીઓ શું કરી રહી હતી? આતંકવાદીઓ હથિયાર સાથે ભારતમાં આવી જ્યાં છે અને કોઈને જાણ પણ થતી નથી! આવું કેવી રીતે બની શકે? નોંધનીય છે કે, આતંકવાદીઓ સાથે સાથે દેશના ગદ્દારોને પણ ખતમ કરવા જોઈએ.