નેશનલ

સંયુકત કિસાન મોરચાનો બંધ: પંજાબમાં બસ દોડી નહીં, ખેડૂતોએ હાઈવેમાં કર્યું રસ્તા રોકો

ફીરોઝપુર/અમૃતસર/હિસાર/મુઝફ્ફરનગર : કેન્દ્ર સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (એમએસપી)ની કાનૂની ગેરન્ટી આપે એવી માગણી સહિતની વિવિધ માગણીઓ સ્વીકારે એના સમર્થનમાં સંયુકત કિસાન મોરચાએ આપેલી બંધની હાકલના પ્રતિસાદમાં પંજાબમાં બસ રોડ પર ન દોડતાં પંજાબના ઉતારુઓને હાડમારી વેઠવી પડી હતી. હરિયાણામાં બંધની હાકલને આંશિક પ્રતિસાદ મળ્યો હતો. પંજાબમાં અનેક સ્થળોેએ બજારો અને વાણિજય ઉપક્રમો બંધ રહ્યાં હતાં. અધિકારીઓએ કહ્યું હતું કે બંધ શાંતિપૂર્ણ રહ્યો હતો. વિવિધ સંગઠનના
ખેડૂતોએ અનેક સ્થળોએ દેખાવો કર્યા હતા અને પઠાણકોટ, તરન તારન, ભટીંડા અને જલંધરમાં નેશનલ હાઈવેને રોકી દીધો હતો. ખેડૂતોએ અનેક ટોલ પ્લાઝામાં ઘેરો ઘાલ્યો હતો અને માગણી ન સ્વીકારવા માટે કેન્દ્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.

હરિયાણાના હિસારમાં હરિયાણા રોડવેના સ્ટાફે બંધને ટેકો આપતાં બસ સેવા સ્થગિત થઈ હતી.

કુરુક્ષેત્રમાં બંધની હાકલને પ્રતિસાદ મળ્યો નહોતો. દુકાનો અને બજારો ખુલ્લી રહી હતી અને બસ પરિવહન ચાલુ રહ્યો હતો.

દરમિયાન ભારતીય કિસાન યુનિયન(ચારુણી)એ હરિયાણાના અનેક ટોલ પ્લાઝામાં ધરણાં કર્યા હતા. ટોલ સત્તાવાળાઓએ વાહનોને ટોલ લીદાા વિના જવા દીધા હતા. પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશમાં અનેક સ્થળોએ દેખાવો યોજાયા હતા. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ તિકૈતે મુઝફ્ફરનગરના દિલ્હી-દેહરાદૂન નેશનલ હાઈવેના ક્રોસિંગ આગળ ધરણાં કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે સ્વામીનાથન અહેવાલના અમલ અને લોનમાફી વગેરે માગણીઓના સમર્થનમાં દેખાવો કરી રહ્યા છીએ. શું તમારી દિલ્હી જવાની કોઈ યોજના છે એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે રવિવારે મુઝફ્ફરનગરના સિસૌલીમાં શનિવારે બેઠક છે અને ત્યાં ભાવિ પગલાં નક્કી કરાશે. બિજનોરમાં બીકેયુના સભ્યોએ સુગરકેન વેઈંગ સેન્ટરનું કામકાજ ખોરવી નાખ્યું હતું.

દરમિયાન ખેડૂતના આંદોલનના ચોથા દિવસે આંદોલન કરી રહેલા ખેડૂતોએ અંબાલા નજીકની શંભુ સરહદ પર બેરિકેડની નજીક જવાનો પ્રયાસ કરતાં હરિયાણા પોલીસે અશ્રુવાયુના ટેટા છોડ્યા હતા. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button