કોઈને માત્ર ‘નીચ’ કહેવાથી SC/ST એક્ટ લાગુ ના થઈ શકે! રાજસ્થાન હાઇકોર્ટનો મોટો ચુકાદો

જોધપુર: રાજસ્થાન હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, કોઈ વ્યક્તિ વિરુદ્ધ માત્ર ‘નીચ’ જેવા સામાન્ય અપમાનજનક શબ્દનો પ્રયોગ કરવાથી SC/ST એક્ટની કલમો આપોઆપ લાગુ કરી શકાય નહીં. જસ્ટિસ સંદીપ શાહની ખંડપીઠે IIT જોધપુરના એક એસોસિયેટ પ્રોફેસર વિરુદ્ધ નોંધાયેલી FIRની ગંભીર કલમોને રદ કરતા જણાવ્યું હતું કે, આ કાયદો ત્યારે જ લગાવી શકાય જ્યારે સાબિત થાય કે અપમાન ખાસ કરીને જ્ઞાતિના આધારે કરવામાં આવ્યું હતું.
આ કેસની સુનાવણી દરમિયાન, કોર્ટે કાયદાની વધુ એક મહત્વની જોગવાઈ સ્પષ્ટ કરતા કહ્યું કે, SC/ST એક્ટની અમુક કલમો લાગુ કરવા માટે ઘટના ‘જાહેરમાં’ બની હોવી અનિવાર્ય છે. IIT જોધપુરના ડિરેક્ટરની બંધ ઓફિસમાં મર્યાદિત કર્મચારીઓની હાજરીમાં થયેલી બોલાચાલીને ‘પબ્લિક વ્યુ’ માની શકાય નહીં. અદાલતે એમ પણ જણાવ્યું હતું કે ‘પબ્લિક વ્યુ’ એટલે એવી જગ્યા જ્યાં સામાન્ય જનતાની અવરજવર હોય અથવા મોટી સંખ્યામાં લોકો ઘટના જોઈ શકતા હોય. માત્ર પરિચિત કર્મચારીઓની હાજરી આ શરત પૂરી કરતી નથી.
હાઈકોર્ટે ‘નીચ’ શબ્દની વિગતવાર વ્યાખ્યા કરતા જણાવ્યું કે, આ શબ્દનો અર્થ ‘હલકું’ અથવા ‘નિમ્ન સ્તરનું’ એવો થાય છે, જે કોઈ ચોક્કસ જ્ઞાતિનો નિર્દેશ કરતો નથી. માત્ર ‘નીચ’ કહેવાથી એ સાબિત નથી થતું કે આરોપીનો ઈરાદો જ્ઞાતિના આધારે અપમાનિત કરવાનો હતો. કોર્ટે અવલોકન કર્યું કે જ્યાં સુધી જ્ઞાતિના આધારે અપમાન કરવાનો સ્પષ્ટ ઈરાદો અને પુરાવા ન હોય, ત્યાં સુધી SC/ST એક્ટ હેઠળ કાર્યવાહી કરવી એ ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે.
શું હતો સમગ્ર વિવાદ?
આ વિવાદ સપ્ટેમ્બર 2025માં IIT જોધપુર ખાતે બન્યો હતો, જેમાં એસોસિયેટ પ્રોફેસર ડૉ. દીપક અરોરા પર ડિરેક્ટર સાથે ધક્કામુક્કી કરવા અને વચ્ચે પડનાર કર્મચારી વિવેક ગૌતમને ‘નીચ’ કહી જ્ઞાતિસૂચક અપમાન કરવાનો આરોપ હતો. જોકે, હાઈકોર્ટે બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી SC/ST એક્ટની કલમો રદ કરી છે.


