બધા જાણે છે કે બાઇક પર સવારી કેટલી જોખમી છે. એમાં હેલ્મેટ હોવા છતાં પણ વ્યક્તિની સુરક્ષા નથી. એમાં પણ આજના નવયુવાનો જ્યારે થ્રીલ માટે સ્પીડમાં બાઇક હંકારે ત્યારે ન બનવાનું બની જાય છે અને માસુમ જિંદગી દાવ હારી જાય છે. આવો જ એક દુઃખદ અકસ્માત દિલ્હીના જવાહરલાલ નેહરુ કેમ્પસ (JNU)માં બન્યો છે. બાઇકની વધુ ઝડપે બાઇક સવાર જેએનયુના વિદ્યાર્થી અંશુ કુમારનો જીવ લીધો હતો.
જ્યારે બાઇક પર સવાર અન્ય વિદ્યાર્થી અને ચાલતા જતા બે વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટના રવિવારે વહેલી સવારે બની હતી. વિદ્યાર્થી અંશુ ગોદાવરી બસ સ્ટેન્ડ પાસે તેના મિત્ર વિશાલ કુમાર સાથે KTM બાઇક પર તેજ ગતિએ જઈ રહ્યો હતો. ગોદાવરી બસ સ્ટેન્ડની બાજુમાં બે વિદ્યાર્થીઓ સચિન શર્મા અને મૃધા યાદવ પગપાળા જઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઇક ચાલતા બંને વિદ્યાર્થીઓ સાથે અથડાઈ હતી અને બાઇક સવાર બુરી રીતે રોડ પર પડી ગયો હતો. બાઇક ચલાવી રહેલા અંશુને માથામાં ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી.અકસ્માત બાદ તરત જ વિદ્યાર્થીઓ ઘાયલોને જેએનયુ એમ્બ્યુલન્સ મારફતે એમ્સ ટ્રોમા સેન્ટર લઈ ગયા હતા, પણ ડોક્ટરોએ અંશુને મૃત જાહેર કર્યો હતો. બાઇક પર પાછળ બેઠેલા અન્ય સાથીદારની હાલત નાજુક છે.
આ અકસ્માતમાં પગપાળા જઈ રહેલા બે વિદ્યાર્થીઓને પણ ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓની એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં સારવાર ચાલી રહી છે. AIIMS ટ્રોમા સેન્ટર દ્વારા આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ દિલ્હી પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને મામલામાં કેસ નોંધ્યો હતો. આ ઘટના અંગે જેએનયુ કેમ્પસમાં ઘણા વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ દર્દનાક અકસ્માત બાદ કેમ્પસના વિદ્યાર્થીઓ ભારે આઘાતમાં છે.
બાઇક અકસ્માતમાં જીવ ગુમાવનાર 22 વર્ષીય અંશુ કુમાર તેના પરિવારનો એકમાત્ર પુત્ર હતો. તેના મૃત્યુનો આઘાત તેના પિતા માટે કારમો સાબિત થયો છે. પુત્રના અકસ્માત મૃત્યુના સમાચાર સાંભળીને પિતાની હાલત એટલી બગડી ગઇ હતી કે તેમને તુરંત બિહારના ગયાની હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવા પડ્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને