હવે જામીન પર છૂટેલા આતંકવાદીઓના પગમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં આવશે
જમ્મુ-કાશ્મીરઃ હવે ખતરનાક આતંકીઓને જામીન પર મુક્ત કર્યા બાદ પોલીસે તેમના પર નજર રાખવા માટે કોઈ ઝંઝટ નહીં કરવી પડે. આવા કેદીઓ પર નજર રાખવા માટે પોલીસે હવે GPS ટ્રેકર (એન્કલેટ)નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ ટ્રેકર જામીન પર છૂટેલા આતંકવાદીઓના પગમાં પહેરાવવામાં આવશે. આનાથી પોલીસ જ્યારે ઇચ્છે ત્યારે સરળતાથી તેમને ટ્રેક કરી શકશે. જમ્મુ-કાશ્મીર પોલીસે આની શરૂઆત કરી છે
J-K પોલીસે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર પોલીસ આવું કરનાર દેશની પ્રથમ પોલીસ બની છે. જીપીએસ ટ્રેકર એંકલેટ એ એક ઉપકરણ છે જે વ્યક્તિના પગની આસપાસ લગાવી દેવામાં આવે છે. તેને ઇન્સ્ટોલ કર્યા પછી, તે વ્યક્તિની ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમી દેશોમાં પહેલેથી જ આ સિસ્ટમ પ્રચલિત છે. આ ઉપકરણનો ઉપયોગ પશ્ચિમી દેશો જેવા કે યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં જામીન અથવા પેરોલ પર જતા કેદીઓ માટે કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તેના દ્વારા નજરકેદ આરોપીઓ પર પણ નજર રાખવામાં આવે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, NIA સ્પેશિયલ કોર્ટના આદેશ બાદ આ ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોર્ટે પોલીસને આતંકવાદી આરોપી પર જીપીએસ ટ્રેકર લગાવવાની સૂચના આપી હતી. કેસની વિગત અનુસાર આરોપી ગુલામ મોહમ્મદ ભટે UAPAની અનેક કલમો હેઠળ જામીન માટે અરજી કરી હતી. તેના પર ટેરર ફાઇનાન્સિંગનો આરોપ છે.
જામીનની સુનાવણી બાકી હોવાથી આરોપીએ વચગાળાના જામીન પર મુક્ત કરવાની માંગણી કરી હતી. આરોપી સામે અનેક આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા હોવાનો અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના ઈશારે આતંકવાદને નાણાં પૂરા પાડવામાં સામેલ હોવાનો કેસ છે. જે કેસમાં તેને જેલમાં બંધ કરવામાં આવ્યો હતો, તે 2.5 લાખ રૂપિયાના ટેરર ફાઇનાન્સિંગનો કેસ છે.
આરોપીને એક અન્ય કેસમાં પણ એનઆઈએ કોર્ટ અને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાના અને આતંકવાદી કૃત્યનું કાવતરું ઘડવાના આરોપમાં દોષિત ઠેરવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિશેષ NIA કોર્ટે જમ્મુના ઝોનલ પોલીસ હેડક્વાર્ટરને આરોપી પર નજીકથી નજર રાખવા જણાવ્યું હતું. ફરિયાદ પક્ષની દલીલો બાદ સ્પેશિયલ NIA કોર્ટે આરોપી પર જીપીએસ ટ્રેકર લગાવવાનો નિર્દેશ આપ્યો હતો.