શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીર (J&K)માં નિરંતર આતંકવાદી હુમલામાં વધારો થઈ રહ્યો છે, જેમાં આજે ફરી આતંકવાદીઓના ગ્રેનેડ એટેકથી ખીણમાં નાગરિકોની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે. આજે જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 12 જણ ઘાયલ થયા હોવાના સમાચાર છે.
આ હુમલો ઓલ ઈન્ડિયાના રેડિયો સ્ટેશનની બહાર સીઆરપીએફના બંકર પર કરવામાં આવ્યો છે. હુમલાખોરોએ માર્કેટના ભીડવાળા વિસ્તાર ટૂરિઝમ સેન્ટર (ટીઆરસી) નજીક ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ હુમલો થયો ત્યારે આસપાસના વિસ્તારોમાં પર્યટકોની ચહલપહલ વધુ હતી, તેથી વધુ લોકોને ઈજા પહોંચવાના સમાચાર છે.
શ્રીનગરના લાલ ચૌક ખાતે દર રવિવારે વીકલી માર્કેટ લાગે છે, જેમાં મોટી સંખ્યામાં પર્યટકો પણ ખરીદી માટે આવે છે. આ હુમલાની તપાસ માટે કાશ્મીર પોલીસ દ્વારા વિશેષ ટુકડીને તહેનાત કરવામાં આવી છે, જ્યારે હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
એક દિવસ પહેલા ખાનયારમાં આર્મી અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં આતંકવાદીઓ મોતને ભેટ્યાં હતાં. અનંતનાગ અને શ્રીનગરના ખાનયારમાં આર્મી અને આતંકવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી, જેમાં પાકિસ્તાન સ્થિત લશ્કરનો એક સિનિયર કમાન્ડર પણ હતો, જે મોટો હુમલો કરવાની વેતરણમાં એક ઘરમાં છુપાયો હતો.
આ અગાઉ શુક્રવારે આતંકવાદીઓએ બે મજૂર પર ગોળીબાર કર્યો હતો, જ્યાં બંને જણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બંને જણ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. ઉસ્માન મલિક (19) અને સુફિયાન સહારનપુર (25) તરીકે ઓળખ કરવામાં આવી છે.