નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યાના થોડા સમય બાદ પરત ખેંચી લીધી હતી. જે અંગે ભાજપે કહ્યું કે તેમાં કેટલાક ફેરફાર કર્યા બાદ ફરીથી જાહેર કરવામાં આવશે.
સાંજ સુધીમાં નવી યાદી જાહેર કરાશે
જેમાં મહત્વની બાબત એ છે કે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસના એક દિવસ પૂર્વે જ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જ્યારે પાર્ટીના ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપમાંથી પણ લિસ્ટ હટાવી દેવામાં આવ્યું છે. પાર્ટીનું કહેવું છે કે યાદીમાં કેટલાક નામ સામેલ નથી. હાલમાં એવી શક્યતાઓ છે કે પાર્ટી સાંજ સુધીમાં નવી યાદી જાહેર કરશે.
આ પણ વાંચો : BJYM રેલીમાં પોલીસ સાથે અથડામણઃ ઝારખંડ ભાજપના અધ્યક્ષ, સહિત 12,051થી વધુ લોકો પર FIR
મોડી રાત સુધી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી હતી
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી આજે સવારે જાહેર કરી હતી. જેને તાત્કાલિક પરત ખેંચવામાં આવી છે. આ યાદી માટે રવિવાર મોડી રાત સુધી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી હતી. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, ઘણા વરિષ્ઠ નેતાઓ અને જમ્મુ-કાશ્મીર ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા.