
પાણીપતઃ ગુજરાતની જેમ હરિયાણામાં પણ કાયદા અને કાનૂની વ્યવસ્થા કથળી હોય તેમ લાગે છે. જનનાયક જનતા પાર્ટીના નેતાની પાણીપતમાં શુક્રવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ જેજેપી નેતાની સાથે તેમના પિતરાઈ ભાઈ તથા અન્ય એક વ્યક્તિ પર પણ ફાયરિંગ કર્યું હતું. જેમાં બંને ઘાયલ થયા હતા. જ્યારે જેજેપી નેતાનું મૃત્યુ થયું હતું. આરોપીઓને પકડવા માટે 5 ટીમો બનાવવામાં આવી છે.
આ પણ વાંચો : યુપીમાં ત્રણ લાખથી વધુ યુવા ઉદ્યોગ સાહસિકની નોંધણીઃ 32,000થી વધુની લોનની મંજૂરી
શું છે મામલો
પાણીપતના વિકાસ નગર વિસ્તારમાં જેજેપી નેતા રવિન્દ્ર મિન્ના તેમના ઘર પાસે હતા. ત્યારે અચાનક આવેલા હુમલાખોરોએ ફાયરિંગ શરૂ કર્યું હતું. ગોળી વાગતાં જ રવિન્દ્ર લોહીલુહાણ થઈને ત્યાં જ ઢળી પડ્યા હતા. જ્યારે તેમના પિતરાઈ ભાઈ તથા અન્ય એક વ્યકિતને ગોળી વાગતાં ઘાયલ થયા હતા. જેજેપી નેતાના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફરી વળી હતી.
હુમલાખોરોની ઓળખ જાગસી ગામના રહેવાસી રણબીર તરીકે થઈ હતી. પોલીસ અનુસાર હત્યા પાછળનું કારણ અંગત અદાવત હોઈ શકે છે. જોકે ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હુમલામાં ઘાયલ બંને વ્યક્તિઓને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પણ વાંચો : મુસ્લિમ અનામત, હની ટ્રેપ મુદ્દે કર્ણાટક વિધાનસભામાં ધમાલઃ ભાજપના 18 ધારાસભ્ય સસ્પેન્ડ
ઘટનાના લગભગ 2 કલાક પહેલા રવિન્દ્રએ સોશિયલ મીડિયા ફેસબુક પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં તેઓ તેમના મિત્રો સાથે જોવા મળ્યા હતા. રવિન્દ્ર મિન્નાને જેજેપીએ પાણીપત શહેરથી વિધાનસભા ટિકિટ આપી હતી. પરંતુ ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે આશરે 2 મિનિટ મોડા પહોંચ્યા હતા. જેના કારણે તેઓ ઉમેદવારી પત્ર ભરી શક્યા નહોતા.