બોલો! BJPના ઉમેદવાર pilibhitને ચૂંટણી પહેલા જ Mumbaiમાં ફેરવી શકે તેમ છે
પીલીભીતઃ કહેને મેં હર્ઝ ક્યા હૈ…ચૂંટણી સમયે નેતાજીઓ વચન આપવામાં કોઈ કંજૂસાઈ કરતા નથી, પણ ભાજપના એક ઉમેદવારે તો ચૂંટણી પહેલા જ ઉત્તર પ્રદેશના એક શહેરને મુંબઈમાં ફેરવી નાખવાની ક્ષમતા હોવાની વાત કરી હતી. તેમનું આ નિવેદન ઝડપથી વાયપલ થયું છે. ઉત્તર પ્રદેશની પીલીભીત લોકસભા બેઠક આમ પણ ચર્ચામાં છે. અહીંથી ભાજપના પરિષ્ઠ નેતા મેનકા ગાંધીનાં પુત્ર વરૂણ ગાંધીને ટિકિટ ન મળતા વિવાદ જાગ્યો હતો, પરંતુ તે હાલમાં તો શમી ગયેલો દેખાય છે. ત્યારે અહીંથી વરૂણની જગ્યાએ જેમને ટિકિટ મળી છે તે જીતેન પ્રસાદે આપેલું એક નિવેદન ચર્ચાઈ રહ્યું છે.
ઉત્તર પ્રદેશના પીલીભીતના ભાજપના ઉમેદવાર જિતિન પ્રસાદે એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે જો મને ખબર હોત કે મારે પીલીભીતથી ચૂંટણી લડવાની છે તો અહીં આવતા પહેલા પીલીભીતને મુંબઈ બનાવી દીધું હોત. ઉત્તર પ્રદેશની પીલીભીત લોકસભા સીટ ચૂંટણીને ધ્યાનમાં રાખીને હોટ સીટ છે. ભાજપે અહીંથી સાંસદ વરુણ ગાંધીની ટિકિટ રદ કરી છે અને યોગી સરકારમાં કેબિનેટ પ્રધાન જિતિન પ્રસાદને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જિતિન પ્રસાદ પીલીભીતથી જીતવા માટે જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે.
દરમિયાન જિતિન પ્રસાદનો એક સભાને સંબોધિત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જિતિન પ્રસાદ પીલીભીતને મુંબઈ બનાવવાની વાત કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં ભાજપના પીલીભીતના ઉમેદવાર જિતિન પ્રસાદ એક જાહેર સભામાં કહેતા જોવા મળી રહ્યા છે કે જો મને ખબર હોત કે અહીંથી ચૂંટણી લડવાની છે તો મેં આને મુંબઈમાં ફેરવી નાખી હોત, પણ તમે ચિંતા ન કરો, હું આ દિશામાં આગળ કામ કરીશ. તમે માત્ર ચૂંટણી સુધી કમાન સંભાળી લેજો, તેમ તેમણે કાર્યકર્તાઓને કહ્યું હતું.
યુપીએ સરકારમાં જિતિન પ્રસાદ શાહજહાંપુર અને ધૌરહરા બંનેથી સાંસદ રહી ચૂક્યા છે. થોડા દિવસો પહેલા જ ઉત્તર પ્રદેશના કેબિનેટ પ્રધાન જિતિન પ્રસાદે પીલીભીતથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. પાર્ટીએ તેમને વર્તમાન સાંસદ વરુણ ગાંધીના સ્થાને ઉમેદવાર બનાવ્યા છે.
નોંધનીય છે કે પીલીભીત બેઠક છેલ્લી ચાર લોકસભા ચૂંટણીથી ભાજપ પાસે છે. હાલમાં વરુણ ગાંધી અહીંથી સાંસદ છે. જિતિન પ્રસાદે 2004માં શાહજહાંપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી જીતી હતી અને 2009માં તેઓ ધૌરહરા બેઠક પરથી જીત્યા હતા અને તત્કાલીન કોંગ્રેસ સરકારમાં તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા.
હવે સવાલ માત્ર એટલો છે કે એક તો કોઈપણ શહેરને દેશની આર્થિક રાજધાનીમાં ફેરવવી અઘરી નહીં લગભગ અશક્ય છે. વળી, જિતિન પ્રસાદ ઘણા સમયથી યુપીના રાજકારણમાં સક્રિય છે અને કૉંગ્રેસ અને ભાજપ બન્નેની સરકારમાં પ્રધાન રહી ચૂક્યા છે તો અત્યાર સુધીમાં તો તેમણે ઘણુખરું કરી નાખવું જોઈતું હતું. ખૈર, ચૂંટણી સમયે જેમ નેતાઓને બફાટ કરવાની કે મોટી વાતો કરવાની આદત હોય છે તેમ જનતાને પણ આવી વાતો એક કાને સાંભળી બીજા કાનેથી કાઢવાની કળા આવડે છે.